News of Thursday, 27th August 2026
"ડરશો નહીં, સરકાર દરેક ક્ષણે તમારી સાથે છે", નેપાળના વિનાશક પૂરમાં ફસાયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યો વીડિયો કોલ
નેપાળમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ વચ્ચે ફસાયેલા રાજ્યના નાગરિકોની સુરક્ષિત વાપસી માટે મુખ્યમંત્રીએ વિદેશ મંત્રાલય સાથે હાથ ધરી ઉચ્ચસ્તરીય ચર્ચા.

મુંબઈ : નેપાળમાં આવેલા અત્યંત વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે, જેમાં સેંકડો લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. આ કુદરતી આફત વચ્ચે નેપાળમાં ફસાયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓની મદદે રાજ્ય સરકાર વ્હારે આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓ સાથે સીધો વીડિયો કોલ કરીને તેમની સ્થિતિની પરાણે માહિતી મેળવી હતી અને તેમને હિમંત આપતા કહ્યું હતું કે, "ડરશો નહીં, સરકાર સંપૂર્ણપણે તમારી સાથે છે."
મુખ્યમંત્રી ફડણવીસે ફસાયેલા નાગરિકોને ખાતરી આપી હતી કે મહારાષ્ટ્રના દરેક નાગરિકને હેમખેમ ઘરે પરત લાવવા માટે વહીવટી તંત્રને અત્યંત સક્રિય કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓના સ્થળાંતર અને સુરક્ષિત વાપસીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તેઓ સતત કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય (MEA) ના સંપર્કમાં છે. આ ઉપરાંત, પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રીએ નેપાળના સાંસદ સંદીપ રાણા સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી છે અને નાગરિકોની સુરક્ષાને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળમાં આવેલા આ જળપ્રલયમાં અત્યાર સુધીમાં આશરે 359 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 910 થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. ચિતવન, નવલપરાસી, ધાડિંગ અને રાસુવા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે, જેમાં સુરક્ષાકર્મીઓ પણ લાપતા થયા છે. લહેન્ડે નદી પર સંભવિત નવા પૂરની ચેતવણી વચ્ચે હાલમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારના સક્રિય પગલાંથી ફસાયેલા પ્રવાસીઓ અને તેમના પરિવારજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
