News of Friday, 28th August 2026
"ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે...": ટોરોન્ટોમાં ભારત-કેનેડા વચ્ચે ઐતિહાસિક આર્થિક સંવાદ : કેનેડિયન નાણામંત્રીએ માન્યો દેશનો આર્થિક દબદબો
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ટોરોન્ટોમાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેનેડાના ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન વચ્ચે ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા ઐતિહાસિક સમજૂતી થઈ

ટોરોન્ટો: વૈશ્વિક રાજકારણ અને આર્થિક ડામાડોળ સ્થિતિ વચ્ચે ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો મોડ આવ્યો છે. કેનેડાના ટોરોન્ટો શહેર ખાતે બંને દેશો વચ્ચે પ્રથમ "આર્થિક નાણાકીય સંવાદ"નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કરી હતી, જ્યારે કેનેડા તરફથી નાણાં અને રાષ્ટ્રીય મહેસૂલ મંત્રી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડિયન વડાપ્રધાન વચ્ચેની તાજેતરની મુલાકાત બાદ શરૂ થયેલ આ નવો મંચ બંને દેશો માટે આર્થિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં કેનેડિયન નાણામંત્રી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેને ભારતની આર્થિક તાકાતના ખુલ્લા દિલે વખાણ કર્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. ભારતના વિશાળ બજાર, યુવા પ્રતિભા અને અદ્યતન ટેકનોલોજીની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવના સમયમાં કેનેડા ભારત માટે ઊર્જા અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે સૌથી વિશ્વસનીય અને પસંદગીનો ભાગીદાર બની શકે છે.
બીજી તરફ, ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કેનેડા સાથેની આ નવી ભાગીદારીને વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે જરૂરી ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતની ટેકનોલોજીકલ અને વસ્તી વિષયક શક્તિ તથા કેનેડાની વિપુલ સંસાધન ક્ષમતાનો સમન્વય બંને દેશોની સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે. આ ઐતિહાસિક કરારથી માત્ર બંને દેશોના નાગરિકોની ખરીદ શક્તિમાં વધારો નહીં થાય, પરંતુ ભવિષ્યમાં મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ-ઊર્જા ક્ષેત્રે પણ સહયોગના નવા દરવાજા ખુલશે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
