<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

સાઉદી અને તુર્કી પછી પાકિસ્તાનની જાળમાં ફસાયું કુવૈત: 'પ્રોટોકોલ એગ્રીમેન્ટ-2026' હેઠળ થયો મોટો લશ્કરી સોદો

કંગાળ સ્થિતિમાંથી બહાર આવવા માટે ખાડી દેશોની પાછળ દોડતા પાકિસ્તાને હવે કુવૈત સાથે સંયુક્ત સંરક્ષણ અને લશ્કરી સહયોગ કરાર કર્યો છે : જેના બદલામાં તેને પેટ્રો-ડોલર, વિદેશી હૂંડિયામણ અને લશ્કરી નોકરીઓ મળવાની આશા

 

ઇસ્લામાબાદ:  આર્થિક તંગી અને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલતાનો સામનો કરી રહેલું પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે સતત ધનિક મુસ્લિમ દેશોનો સહારો લઈ રહ્યું છે. સાઉદી અરેબિયા અને તુર્કી પાસેથી નાણાકીય અને લશ્કરી મદદ મેળવ્યા બાદ હવે પાકિસ્તાને કુવૈત સાથે પણ એક મોટો સંયુક્ત સંરક્ષણ કરાર કરી લીધો છે. ઇસ્લામાબાદ ખાતે કુવૈતના સંરક્ષણ પ્રધાન શેખ અબ્દુલ્લા અલી અને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ વચ્ચે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં આ 'પ્રોટોકોલ એગ્રીમેન્ટ-2026' પર અંતિમ મહોર લગાવવામાં આવી હતી. આ સોદા દ્વારા પાકિસ્તાન પોતાને ખાડી દેશોના એક મહત્વપૂર્ણ લશ્કરી ભાગીદાર તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ લશ્કરી કરાર પાછળ પાકિસ્તાનનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ સહયોગ કરતાં વધુ આર્થિક લાભ મેળવવાનો છે. કુવૈત જેવા અત્યંત સમૃદ્ધ દેશ પાસેથી ક્રેડિટ પર કાચું તેલ, સીધું નાણાકીય રોકાણ અને વિદેશી હૂંડિયામણ મેળવવાની પાકિસ્તાનની યોજના છે. આ ઉપરાંત, કુવૈતી સેનાની ક્ષમતા વધારવા માટે પોતાના ભૂતપૂર્વ અને હાલના લશ્કરી કર્મચારીઓને તાલીમ અને સંરક્ષણ સંબંધિત નોકરીઓ પર મોકલીને પાકિસ્તાન રેમિટન્સ (વિદેશી વિનિમય) પણ વધારવા માંગે છે. ગંભીર દેવાના બોજ હેઠળ દબાયેલા પાકિસ્તાન માટે આ પેટ્રો-ડોલર એક નવા સંજીવની સમાન માનવામાં આવી રહ્યા છે.

બીજી તરફ, કુવૈત જેવા નાના પણ નાણાકીય રીતે સમૃદ્ધ દેશ પાસે પોતાનું વિશાળ લશ્કરી માળખું નથી. જેથી કુવૈત આ સોદા દ્વારા પાકિસ્તાનની વિશાળ સેના, અનુભવી લશ્કરી ટ્રેનર્સ, સરહદ વ્યવસ્થાપન અને સંયુક્ત યુદ્ધાભ્યાસનો લાભ લેશે. આ બંને દેશો વચ્ચે ઈન્ટેલિજન્સ શેરિંગ અને સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સહયોગ વધારવા પર સંમતિ થઈ છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની ડગમગતી અર્થવ્યવસ્થાને માત્ર કાગળ પરના આવા કરારો કે વિદેશી લોન ક્યાં સુધી બચાવી શકશે તે જોવું રહ્યું.

(12:47 AM IST)