News of Thursday, 27th August 2026
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ૭૨મો પદવીદાન સમારોહ સંપન્ન: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ
૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના કુલ ૯૦૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ; ૧૧ વિદ્યાર્થીઓને મંદિર ચંદ્રક અને ધ્વજ ચંદ્રકથી સન્માનિત કરાયા: ગાંધીજીનો જીવન સંદેશ ગઈકાલે પણ પ્રસ્તુત હતો, આજે પણ છે અને આવનારા સમયમાં પણ શાશ્વત રહેશે: અમિતભાઇ શાહ :દીક્ષાંત સમારોહ એ માત્ર પદવી મેળવવાનો ઉત્સવ નથી, પરંતુ શિક્ષણ બાદ સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને સ્વીકારવાની ક્ષણ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ગરિમાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
ઐતિહાસિક પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના કુલ ૯૦૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક સિદ્ધિની સાથોસાથ ગાંધીવાદી મૂલ્યો, સામાજિક સેવા, સંશોધન અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા દર્શાવનાર ૧૧ વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 'કુલાધિપતિ મંદિર ચંદ્રક' અને 'ધ્વજ ચંદ્રક' તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિધાપીઠના વાર્ષિક અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
સમારોહના મુખ્ય અતિથિ પદેથી પ્રાસંગિક ઉદ્બોધન આપતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગૂજરાત વિદ્યાપીઠ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાપીઠની લાયબ્રેરીના ગહન અભ્યાસુ અને વાચક રહ્યા છે. જે લાયબ્રેરીમાં તેઓ કલાકો સુધી વાંચન કરતા હતા, તે વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા બદલ ગૌરવની લાગણીની અનુભૂતિ તેમણે વ્યક્ત કરી હતી. આ પરિસર એ દેશના સ્વતંત્રતા સંગ્રામની વ્યૂહરચનાઓ અને રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિનું સાચું મોડેલ ઘડનારી તપોભૂમિ છે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વિદ્યાપીઠ અને ખાદી સાથેના અંગત જોડાણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, માતાના આશીર્વાદ અને સંકલ્પથી તેઓ પોતે પણ જીવનપર્યંત ખાદી ધારણ કરી રહ્યા છે. ખાદી એ માત્ર વસ્ત્ર કે આર્થિક પ્રવૃત્તિ નથી પરંતુ સમાજના અંતિમ વ્યક્તિની ચિંતા કરવાનો ગાંધીવાદી વિચાર છે. દેશમાં પાછલાં વર્ષોમાં ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર અનેકગણું થયું છે, જે ગાંધી વિચારોની સ્વીકાર્યતા દર્શાવે છે.
પૂજ્ય બાપુના જીવનમૂલ્યોની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા દર્શાવતાં ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે પણ પ્રસ્તુત હતો, આજે પણ છે અને આવનારા સમયમાં પણ શાશ્વત રહેશે. ગાંધીજીના વિચારોમાં ભારતીય જ્ઞાન પરંપરા, સનાતન જીવનમૂલ્યો અને સંસ્કૃતિ જ વણાયેલાં છે. બાપુ દ્વારા દર્શાવવામાં આવેલા ‘સાત સામાજિક પાપ’જેવા કે સિદ્ધાંત વિહીન રાજનીતિ, નૈતિકતા વિહીન વ્યાપાર, શ્રમ વિહીન ધન, વિવેક વિહીન જ્ઞાન અને ભોગ, ચરિત્ર વિહીન જ્ઞાન, માનવતા વિહીન વિજ્ઞાન અને ત્યાગ વિહીન ઉપાસના તથા ૧૧ વ્રતો અને સ્વભાષાનો આગ્રહ આજે પણ એટલા જ મહત્વના છે. તેમણે ઉમેર્યું કે દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP) માં પણ માતૃભાષા, કૌશલ્ય, ભારતીય જ્ઞાન પરંપરા અને સર્વાંગી વિકાસ જેવા મૂલ્યોને જ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
પદવી ધારણ કરી સમાજ જીવનમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે, વિદ્યાપીઠના પ્રાંગણમાંથી બહાર નીકળતાં પહેલાં સ્વ માટે નહીં પરંતુ દેશ, સમાજ અને ગરીબોના કલ્યાણ માટેનું લક્ષ્ય નક્કી કરવું. જો દેશ માટે લક્ષ્ય નક્કી હશે તો નિષ્ફળતા કે કઠિન પરિસ્થિતિમાં પણ ક્યારેય નિરાશા તમને નહીં ઘેરે.
તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષથી દેશ ભારતીય મૂળતત્વો અને આધુનિકતાના સમન્વય સાથે ‘પુનઃનિર્માણ’ના માર્ગે આગળ વધી રહ્યો છે. તેમણે યુવાનોને આહ્વાન કર્યું હતું કે વર્ષ ૨૦૪૭ માં જ્યારે ભારત આઝાદીની શતાબ્દી ઉજવે ત્યારે દેશ દરેક ક્ષેત્રમાં વિશ્વમાં સર્વપ્રથમ અને આત્મનિર્ભર બને તેવા ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં વિદ્યાપીઠના પદવીધારકો મહત્વની ભૂમિકા ભજવે.
ગૂજરાત વિદ્યાપીઠના ૭૨મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુરુકુળ પરંપરા, વેદ-ઉપનિષદના આદર્શો અને મહાત્મા ગાંધીના મૂલ્યો પર સઘન પ્રકાશ પાડ્યો હતો.
તેમણે દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આ ક્ષણ શિક્ષણ મેળવ્યા બાદ સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને સ્વીકારવાની અવિસ્મરણીય ક્ષણ છે. પ્રાચીન સમયથી ગુરુ પોતાના શિષ્યોને વિદ્યા પૂર્ણ કર્યા બાદ સમાજમાં મોકલતી વખતે જે ઉપદેશ આપતા હતા, તે જ પરંપરા આજે પણ વિદ્યાપીઠ જેવી સંસ્થામાં જીવંત છે.
આ પ્રસંગે રાજ્યપાલએ તૈત્તિરીય ઉપનિષદનો સંદર્ભ આપતાં વિદ્યાર્થીઓ સમક્ષ ત્રણ મુખ્ય ઉપદેશો અને જીવનકર્તવ્યો રજૂ કર્યા હતા. પ્રથમ ઉપદેશમાં તેમણે પારિવારિક ઉત્તરદાયિત્વ વિશે જણાવતાં કહ્યું કે વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ પોતાની પારિવારિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા રહેવું અને માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ તથા આચાર્ય દેવો ભવના મંત્રને જીવનમાં ઉતારવો. દેશમાં વધતા જતા વૃદ્ધાશ્રમો પર ચિંતા વ્યક્ત કરી તેમણે ભારપૂર્વક કહ્યું કે જો શિક્ષણ મેળવ્યા પછી પણ માતા-પિતા માટે ઘરમાં સ્થાન ન હોય તો તેવું શિક્ષણ નકામું છે.
બીજા ઉપદેશમાં તેમણે સામાજિક જવાબદારીનો નિર્દેશ આપતાં સ્પષ્ટ કર્યું કે સમાજે આપણને ઘણું આપ્યું છે, તેથી સ્વાધ્યાયમાં ક્યારેય આળસ કે પ્રમાદ ન કરવો. વિદ્યાને માત્ર પોતાના સુધી સીમિત ન રાખતાં, જેમ તરસ્યા પર વાદળ વરસે તેમ સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી જ્ઞાન પહોંચાડીને સામાજિક ઋણ ચૂકવવું જોઈએ. ત્રીજા અને મહત્વના ઉપદેશમાં તેમણે રાષ્ટ્રની ખરી શક્તિ તેની મૂળ સંસ્કૃતિમાં રહેલી હોવાનું જણાવ્યું હતું. વેદ, ઉપનિષદ, ગીતા અને રામાયણના વિચારો તેમજ પતંજલિ યોગશાસ્ત્રના પંચ મહાવ્રતો જેવા કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ભારતની મૂળ ઓળખ છે.
વધુમાં, રાજ્યપાલએ અંગત અને સાર્વજનિક જીવનમાં દંભ છોડીને મન, વચન અને કર્મથી એકરૂપ બની સત્યના માર્ગે જીવવાની હાકલ કરી હતી. ભગવાન શ્રીરામના જીવનને આદર્શ ગણાવી તેમણે યુવાનોને દરેક સંબંધ અને રાષ્ટ્રસેવામાં શ્રેષ્ઠતા દાખવવા પ્રેરણા આપી હતી.
ડિજિટલ યુગનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ યુવાનોને સોશિયલ મીડિયા પર સત્ય અને અસત્યનો વિવેક પારખવા વિનંતી કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વિદ્યાપીઠના પદવીધારકો પૂજ્ય બાપુના આદર્શો સાથે વર્ષ ૨૦૪૭ ના વિકસિત ભારત નિર્માણમાં મજબૂત યોગદાન આપશે.
આ પદવીદાન સમારોહના પ્રારંભે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે ઐતિહાસિક પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પરિસરમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને માત્ર સાક્ષરી શિક્ષણ જ નહીં, પરંતુ ગાંધીજીના હૈયું, હાથ અને મસ્તિષ્કના સર્વાંગી વિકાસના સિદ્ધાંત મુજબ સફાઈ, કાંતણ, ખાદી, સમૂહ જીવન અને સામુદાયિક સેવાની બુનિયાદી તાલીમ આપી જીવન કૌશલ્યથી સમૃદ્ધ કરવામાં આવે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ વિદ્યાપીઠ દેશના ૧૮ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓને ૨૨ ભાષાઓ શીખવાનો વિકલ્પ પૂરો પાડી રહી છે. આ ઉપરાંત AI કૌશલ્ય, ભારતીય જ્ઞાન પ્રણાલી, વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રો, યુવા ખેલકૂદ અને ગ્રામજીવન પદયાત્રા દ્વારા વિદ્યાર્થીઓમાં ગાંધીવાદી મૂલ્યો સાથે રાષ્ટ્રીયતાની ચેતના અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૂજરાત વિદ્યાપીઠના ૭૨મા પદવીદાનમાં પદવી મેળવનારાઓમાં ૪૪૧ વિદ્યાર્થીનીઓ અને ૪૫૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના ૧૮૪, અનુસ્નાતક કક્ષાના ૪૦૦, સ્નાતકોત્તર અભ્યાસક્રમના ૨૩૨, અનુસ્નાતક ડિપ્લોમાના ૨૧ તથા એમ.ફિલ/પીએચ.ડી.ના ૬૩ પદવીધારકોનો સમાવેશ થાય છે.
આ સમારોહમાં સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે અમિતભાઈ ઠાકર,જીતેન્દ્રભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન,દિનેશસિંહ કુશવાહ,કિરીટસિંહ ડાભી, કાળુભાઈ ડાભી, બાબુભાઈ પટેલ, કંચનબેન રાદડિયા, ડો .પાયલબેન કુકરાણી, પૂર્વમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠ મંડળના સભ્યો, સત્તામંડળના સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, કુલસચિવ હિમાંશુ પટેલ, કાર્યવાહક સમિતિ તથા વિદ્યાસભાના સભ્યઓ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, સ્નાતક સંઘના પ્રતિનિધિઓ, સ્થાનિક કાઉન્સિલરઓ, આમંત્રિત મહાનુભાવો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
