News of Friday, 28th August 2026
EPFOનું 800 કંપનીઓને લાલ આંખ : 31 ઓક્ટોબર સુધીમાં કર્મચારીઓનું PF રજીસ્ટ્રેશન પૂર્ણ નહીં થાય તો થશે કડક કાર્યવાહી
નિયમોનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ સામે દંડાત્મક પગલાં લેવાની વિભાગની તૈયારી

નોઈડા: શું તમારા પગારમાંથી દર મહિને પ્રોવિડન્ટ ફંડ (PF) ના નામે રકમ કાપવામાં આવે છે છતાં તમારું અધિકૃત PF ખાતું જાળવવામાં નથી આવી રહ્યું? ગૌતમ બુદ્ધ નગરમાં આવેલી આશરે 800 કંપનીઓની EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) દ્વારા કરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ તમામ કંપનીઓ તેમના કર્મચારીઓનું PF નોંધણી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને, EPFO એ આ તમામ 800 કંપનીઓને આખરી અલ્ટીમેટમ આપતાં નોટિસ ફટકારી છે અને 31 ઓક્ટોબર સુધીમાં તમામ કર્મચારીઓનું PF રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કડક આદેશ આપ્યો છે.
EPFO ના સ્પષ્ટ નિયમો અનુસાર, પોતાના કર્મચારીઓને શ્રમ કાયદા હેઠળ સુરક્ષિત રાખી PF સિસ્ટમ સાથે જોડવાની પ્રાથમિક જવાબદારી કંપનીઓ કે માલિકોની છે. PF એ માત્ર વર્તમાન સમયની નાણાકીય કપાત નથી, પરંતુ કર્મચારીઓ માટે નિવૃત્તિ સમયની મોટી બચત, પેન્શન અને ઈમરજન્સી વખતે ઉપયોગી નીવડતી મહત્વપૂર્ણ નાણાકીય સુરક્ષા કવચ છે. આ નિયમો હોવા છતાં, વિસ્તારની ઘણી જાણીતી સંસ્થાઓ કર્મચારીઓને આ કાનૂની દાયરામાં લાવવાથી વંચિત રાખી રહી હતી. તપાસ દરમિયાન ઓળખવામાં આવેલી 800 સંસ્થાઓમાં મુખ્યત્વે હોસ્પિટાલિટી ક્ષેત્રના રેસ્ટોરન્ટ્સ, લેબર તથા માનવશક્તિ સપ્લાયર્સ, મોટા બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટ એજન્સીઓ અને અન્ય વ્યાપારી એકમોનો સમાવેશ થાય છે.
પ્રાદેશિક ભવિષ્ય નિધિ આયુક્ત (I) સુયશ પાંડેના જણાવ્યા મુજબ, EPFO હાલમાં કંપનીઓ અને કર્મચારીઓ બંનેને તેમના કાનૂની અધિકારો અને PF નિયમો પ્રત્યે જાગરૂક કરવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવી રહ્યું છે. પ્રારંભિક તબક્કામાં તમામ નોટિસ પ્રાપ્ત કંપનીઓને નોંધણી પ્રક્રિયા કેવી રીતે પૂરી કરવી તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. જો કે, 31 ઓક્ટોબરની નિર્ધારિત સમયસીમા પૂર્ણ થયા બાદ વિભાગ દ્વારા કડક મોનિટરિંગ કરવામાં આવશે. જે કંપનીઓ આ સમયગાળા દરમિયાન નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તેમની સામે કાનૂની દંડાત્મક કાર્યવાહી અને આકરા દંડની પ્રક્રિયા તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
