News of Friday, 28th August 2026
નેપાળ આર્મીનું ત્રિશૂલી ટનલમાં મોડી રાત્રે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન: મોતના મુખમાંથી 350 લોકોને ઉગારાયા, ભારતીયો પણ સામેલ
અપર ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની કાળીડીબ ટનલમાં પૂરાયેલા મજૂરો અને સ્થાનિકો માટે નેપાળી સૈન્ય દેવદૂત બન્યું; તિબેટમાં ડેમ તૂટતાં ભોટે કોશી નદીમાં ઘોડાપૂરનું ભયાનક સંકટ.

કાઠમંડુ તા.28: નેપાળમાં કુદરતી હોનારત અને પૂરના હાહાકાર વચ્ચે નેપાળી સેનાએ એક અત્યંત સાહસિક અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાસુવા વિસ્તારમાં આવેલા 'અપર ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ'ની વિશાળ ટનલમાં પૂરના પાણી અને કાટમાળ વચ્ચે ફસાયેલા 350થી વધુ મજૂરો અને સ્થાનિક નાગરિકોને સેનાએ સહીસલામત બહાર કાઢી લીધા છે. રહાતની વાત એ છે કે આ બચાવાયેલા શ્રમિકોમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પણ સામેલ છે, જેઓ ત્યાં રોજગારી અર્થે ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રિશુલી સ્થિત નંબર એક સેકન્ડ મૂવમેન્ટ ટેક્ટિકલ હેડક્વાર્ટરના વોરન્ટ ઓફિસર ભક્તજન બસનેટના નેતૃત્વ હેઠળ આ અતિ જોખમી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ટનલમાં હજુ પણ 100થી વધુ લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેમને ઉગારવા માટે કાદવ અને ખરાબ હવામાન વચ્ચે પણ સેનાનો જંગ ચાલુ છે. સેનાએ માત્ર આ ટનલમાંથી જ નહીં, પરંતુ સ્યાફ્રુબેસી, તૈમુર, મેઈલંગ, થુલો હકુ અને હકુબેસી જેવા અતિસંવેદનશીલ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પણ 533 લોકોને ઉગારી લીધા છે, જેનાથી અત્યાર સુધીમાં કુલ 883 લોકોને નવજીવન મળ્યું છે.
બીજી તરફ, નેપાળ પરથી હજુ પણ કુદરતી આફતનું સંકટ ટળ્યું નથી. સરહદ પાર તિબેટ ક્ષેત્રમાં એક મોટો બાંધ (ડેમ) તૂટી જવાના કારણે ભોટે કોશી નદીમાં ભયાનક ઘોડાપૂર આવવાનું જોખમ ઊભું થયું છે. આ સમાચાર મળતાં જ નેપાળ સરકારે રાસુવા અને નુવાકોટ જિલ્લાઓ માટે હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે.
તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થળે ખસી જવા અને નદીથી ઓછામાં ઓછું એક કિલોમીટર દૂર રહેવા સખત આદેશો અપાયા છે. નદીની ખીણો અને અસ્થિર પહાડી રસ્તાઓ પર મુસાફરી ન કરવા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
