News of Friday, 28th August 2026
સોનિયા ગાંધીના સંસ્મરણો 'બિલોંગિંગ'ના પ્રકાશન વિવાદ પર પેંગ્વિનની સ્પષ્ટતા: કોંગ્રેસે બતાવી લાલ આંખ, કહ્યુ- "હર ઘર મોદી, RSS પર પુસ્તકો છાપવામાં પેંગ્વિનને કોઈ વાંધો નથી!"
ગાંધી પરિવારના સંસ્મરણો પરથી પેંગ્વિન પાછળ હટ્યું હોવાના અહેવાલો વચ્ચે પ્રકાશન ગૃહે કહ્યું- "અમે આ પુસ્તકના ભારતીય પ્રકાશક નથી"; હવે હાર્પરકોલિન્સ પ્રકાશનના અધિકારો મેળવવાની રેસમાં આગળ.

નવી દિલ્હી તા.28: કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીના બહુચર્ચિત સંસ્મરણો 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' (Belonging: A Journey of Love)ના પ્રકાશનને લઈને દેશના રાજકારણ અને સાહિત્યિક જગતમાં મોટો વિવાદ ઊભો થયો છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ આ પુસ્તકનું પ્રકાશન અટકાવી દીધું હોવાના અહેવાલો વચ્ચે પ્રકાશક ગૃહે પોતાની સ્પષ્ટતા જારી કરી છે. પેંગ્વિને જણાવ્યું છે કે તેઓ ભારતમાં આ પુસ્તકના પ્રકાશક નથી, અને લેખકે સંપાદકીય ફેરફારો સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાથી પુસ્તક રોકી દેવાયું હોવાના અહેવાલો વાસ્તવિકતાને સચોટ રીતે દર્શાવતા નથી.
પેંગ્વિને પોતાના સત્તાવાર નિવેદનમાં ઉમેર્યું કે, કોઈપણ પુસ્તકના પ્રકાશન સમયે તથ્યોની ચકાસણી કરવી અને લેખકને યોગ્ય સુધારા માટે સલાહ આપવી એ પ્રકાશકની પ્રક્રિયાનો એક સામાન્ય ભાગ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ પુસ્તક પ્રકાશિત કરવા ઉત્સુક હતા, પરંતુ લેખક સાથે થયેલી ગુપ્ત વાટાઘાટો અંગે તેઓ વધુ ટિપ્પણી કરવા માંગતા નથી.
બીજી તરફ, પેંગ્વિનની આ સ્પષ્ટતા સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. લોકસભામાં કોંગ્રેસના ડેપ્યુટી લીડર ગૌરવ ગોગોઈએ પેંગ્વિનની સ્પષ્ટતાને "નબળું નિવેદન" ગણાવ્યું હતું. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "પેંગ્વિન ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 'એક્ઝામ વોરિયર્સ' અને આરએસએસ (RSS) પરના અનેક પુસ્તકો છાપવામાં ખૂબ ખુશ રહે છે, પરંતુ ભાજપ સરકારમાં બેઠેલા લોકો હવે દેશના નાગરિકો દ્વારા વાંચવામાં આવનારા આ સત્યવાદી પુસ્તકથી ડરી રહ્યા છે."
ઉલ્લેખનીય છે કે, પેંગ્વિન પાછળ હટતા જ હવે અન્ય વૈશ્વિક પ્રકાશન ગૃહો આ પુસ્તક મેળવવા માટે હોડમાં લાગ્યા છે. અહેવાલો મુજબ 'હાર્પરકોલિન્સ' (HarperCollins) ભારતમાં આ પુસ્તકને પ્રકાશિત અને વિતરિત કરવા માટે કરાર આખરી કરવાની ખૂબ નજીક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ પુસ્તક 10 નવેમ્બરે પેંગ્વિનની છાપ 'આલ્ફ્રેડ એ. નોફ્ફ' દ્વારા લોન્ચ થશે. આ પુસ્તકમાં સોનિયા ગાંધીના ઈટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના લગ્ન અને ભારત સુધીની તેમની ભાવનાત્મક સફરનો ઉલ્લેખ કરાયો છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
