News of Friday, 28th August 2026
મુંબઈગરાંઓ ધ્યાન આપે! ૩૧ ઓગસ્ટે જાહેર થશે પ્રાથમિક મતદાર યાદી: ચુંટણી પંચે જાહેર કર્યું નવું ટાઈમટેબલ, અંતિમ યાદી આ તારીખે આવશે
બીએલઓ ન પહોંચી શક્યા હોય કે નામ રદ થયું હોય તેવા મતદારો માટે ૩૦ સપ્ટેમ્બર સુધી સુધારા-વધારાની સુવર્ણ તક; ૧ ઓક્ટોબરે ૧૮ વર્ષ પૂર્ણ કરનારા પણ નોંધાવી શકશે નામ

મુંબઈ : મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં મતદાર યાદીની ફેરચકાસણી (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન - SIR) ની કામગીરી હવે આખરી તબક્કામાં પહોંચી છે. ચૂંટણી પંચ તરફથી પ્રાપ્ત થયેલા નવા સમયપત્રક મુજબ આ સોમવારે એટલે કે ૩૧ ઓગસ્ટના રોજ પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને ૪ નવેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જે આગામી ચૂંટણીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
વાંધા-અરજીઓ અને નવેસરથી નામ નોંધણી માટે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય
પ્રાથમિક યાદી જાહેર થયા બાદ જો કોઈ નાગરિકને નામ, સરનામા કે અન્ય માહિતી અંગે વાંધો હોય તો તેઓ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સંબંધિત વિધાનસભા મતદાર સંઘ કાર્યાલયમાં અરજી કરી શકશે. આ કાર્યાલયોની તમામ વિગતો મુંબઈ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત, જે નાગરિકોની વય ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થઈ રહી હોય, તેઓ પણ ૩૦ સપ્ટેમ્બર સુધી જરૂરી દસ્તાવેજો સાથે નવું ફોર્મ ભરીને મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. જે લોકોના નામ પ્રાથમિક યાદીમાંથી બાદ થઈ ગયા હોય કે રદ થયા હોય, તેઓ પણ આ મુદત દરમિયાન યોગ્ય પુરાવા રજૂ કરીને ફરી નામ ઉમેરાવી શકશે.
બીએલઓ સંપર્ક ન કરી શક્યા હોય તેવા મતદારો માટે ખાસ સુનાવણી
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, જે મતદારો સુધી બીએલઓ (BLO) પહોંચી શક્યા નથી, અથવા તો જેમના રેકોર્ડમાં વિસંગતતા જણાઈ છે તેવા તમામ લોકોને ૩૧ ઓગસ્ટથી ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન મતદાર નોંધણી અધિકારી કાર્યાલય તરફથી નોટિસ મોકલવામાં આવશે. ત્યારપછી ખાસ સુનાવણી હાથ ધરીને તમામ વાંધા અને સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
