<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ભારતીય ગેમિંગ ક્ષેત્રે મોટો ધડાકો: ઈસ્પોર્ટ્સ ગેમ્સ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલારની બિનહરીફ વરણી

દેશના ૬૦ કરોડ ઈસ્પોર્ટ્સ ગેમર્સ અને યુવા પ્રતિભાઓ માટે નવી આશાનું કિરણ; સપ્ટેમ્બરમાં જાપાન એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ લેશે ભાગ

નવી દિલ્હી : ભારતમાં ગેમિંગ ઇકોસિસ્ટમ અને ઈસ્પોર્ટ્સને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે એક મોટો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારના આઈટી, એઆઈ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી તથા અનુભવી રમતગમત પ્રશાસક એડવોકેટ આશિષ શેલારને સર્વાનુમતે 'ઈસ્પોર્ટ્સ ગેમ્સ ફેડરેશન' (ESGF) ના નવા પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં તમામ સભ્યો અને રાજ્યના પ્રતિનિધિઓએ આ નિર્ણયને મંજૂરી આપી હતી.

 

મુખ્ય હોદ્દો સંભાળ્યા બાદ આશિષ શેલારે ભારતના ઈસ્પોર્ટ્સ ક્ષેત્રની ક્ષમતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "આજે દેશમાં લગભગ ૬૦ કરોડ લોકો ઈસ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે. આપણા યુવાનોમાં આ ક્ષેત્રે અદભુત પ્રતિભા છે. આવતા મહિને જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતીય ઈસ્પોર્ટ્સ ટીમ ભાગ લેવા જઈ રહી છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ખેલાડીઓને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ, શ્રેષ્ઠ ટ્રેનિંગ અને સુવિધાઓ આપવાનો રહેશે."

 

ESGF ના સ્થાપક એડવોકેટ નંદન ઝા, અધ્યક્ષ અશોક ધ્યાનચંદ અને સેક્રેટરી જનરલ ગુરશરણ સિંહે શેલારના નેતૃત્વ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું કે આશિષ શેલાર જેવા અનુભવી પ્રશાસકના આગમનથી ભારતમાં માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય ગેમર્સનો દબદબો વધશે. પાયાના સ્તરેથી નવી પ્રતિભાઓને શોધીને તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવાનું વિઝન નક્કી કરવામાં આવ્યું છે.

 

નોંધનીય છે કે, ઈસ્પોર્ટ્સ ગેમ્સ ફેડરેશન (ESGF) એ ગ્લોબલ ઈસ્પોર્ટ્સ ફેડરેશન (GEF) અને ઈન્ટરનેશનલ ઈસ્પોર્ટ્સ ફેડરેશન (IESF) સાથે જોડાયેલી ભારતની ટોચની સંસ્થા છે. આ વરણીથી ભારતના ગેમિંગ ક્ષેત્રે જવાબદાર ગેમિંગ અને સુસંગત માળખાકીય સુવિધાઓનો એક નવો યુગ શરૂ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

 

(7:51 PM IST)