News of Friday, 28th August 2026
થાણેની સરકારી આશ્રમશાળામાં ખળભળાટ: ૨૨ સગીર વિદ્યાર્થિનીઓનો વિનયભંગ કરનાર નરાધમ રસોઈયો અગાઉ પણ પોક્સો એક્ટ હેઠળ ગયો હતો જેલ!
અઘાઈ બાદ મોરોશી અને હવે ટેમ્બાની આશ્રમશાળામાં આચર્યુ દુષ્કૃત્ય; દસ મહિના પછી નિવૃત્ત થનાર આરોપી રસોઈયાને ગંભીર ગુનાહિત ઇતિહાસ છતાં નોકરી પર રાખનાર કોણ?

થાણે : થાણે જિલ્લાના શહાપુર તાલુકામાંથી એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. ટેમ્બા વિસ્તારમાં આવેલી સરકારી આશ્રમશાળાની ૨૨ સગીર વિદ્યાર્થિનીઓ સાથે વિનયભંગ કરવાના આરોપસર આ સપ્તાહની શરૂઆતમાં પકડાયેલા રસોઈયા ગણપત ગવળીનો ભૂતકાળ અત્યંત ગુનાહિત નીકળ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે અગાઉ પણ આવા જ ગુના બદલ પોક્સો (POCSO) એક્ટ હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલા આ આરોપીને ફરીથી સરકારી આશ્રમશાળામાં નોકરી પર કેવી રીતે રાખવામાં આવ્યો તે એક મોટો સવાલ બની ગયો છે.
ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ITDP) ના પ્રોજેક્ટ ઓફિસર તેજસ્વિની ગલાંડેના જણાવ્યા અનુસાર, આરોપી ગણપત ગવળીએ અગાઉ અઘાઈ ખાતેની આશ્રમશાળામાં પણ આવો જ ઘૃણાસ્પદ અપરાધ આચર્યો હતો, જેના કારણે તેની સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેને તે સમયે સસ્પેન્ડ પણ કરાયો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેને મુરબાડના મોરોશી આશ્રમશાળામાં મુકાયો હતો અને તાજેતરમાં તેની બદલી ટેમ્બા આશ્રમશાળામાં કરવામાં આવી હતી. માત્ર ૧૦ મહિના પછી જ જે નિવૃત્ત થવાનો હતો તેવા આ શખ્સે ફરીથી પોતાની વિકૃત માનસિકતાનો પરિચય આપ્યો છે.
આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે ટેમ્બા આશ્રમશાળાની પીડિત વિદ્યાર્થિનીઓએ ૨૪ ઓગસ્ટે હિંમત દાખવીને સત્તાવાળાઓ સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. સુપરિન્ટેન્ડેન્ટે આ ગંભીર મામલો તરત જ હેડમાસ્ટરના ધ્યાને મૂક્યો અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. શહાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ જતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી રસોઈયાની ધરપકડ કરી લીધી છે અને તેને સસ્પેન્ડ કરી દેવાયો છે.
સવાલો હવે એ ઊભા થઈ રહ્યા છે કે અગાઉ પોક્સો જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા કર્મચારીને વારંવાર જુદી-જુદી આશ્રમશાળામાં કેવી રીતે ગોઠવવામાં આવતો હતો અને તેની પૃષ્ઠભૂમિ તપાસ્યા વગર તેને નોકરી ચાલુ રાખવા દેવા પાછળ કોની ઘોર બેદરકારી હતી?
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
