<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

દેશભરમાં સ્વાઈન ફ્લૂનો ખતરો મંડરાયો: માત્ર ૧૭ દિવસમાં દિલ્હીમાં ૧૨૬૮ નવા કેસ નોંધાતા હડકંપ, શિયાળામાં સ્થિતિ વધુ વણસવાની આશંકા

દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત સહિતના રાજ્યોમાં H1N1 વાયરસનો ફેલાવો ઝડપી બનતા ફ્લૂ વેક્સિનની માંગમાં ત્રણ ગણો તોતિંગ વધારો; જાણો લક્ષણો અને સાવચેતી

નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની ઋતુ વચ્ચે સ્વાઈન ફ્લૂ (H1N1) ના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. માત્ર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ ઓગસ્ટ મહિનાના શરૂઆતના ૧૭ દિવસોમાં સ્વાઈન ફ્લૂના ૧૨૬૮ નવા દર્દીઓ સામે આવ્યા છે, જેના કારણે દિલ્હીમાં કુલ આંકડો વધીને ૨૬૧૨ પર પહોંચી ગયો છે. આરોગ્ય નિષ્ણાતોના મતે ઓગસ્ટમાં વધી રહેલા આ સંક્રમણ બાદ હવે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવનારી શિયાળાની ઋતુમાં આ વાયરસ વધુ આક્રમક બને તેવી પ્રબળ શક્યતા છે.

 

દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન અને ગુજરાતમાં પણ સ્વાઈન ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ૧૧૦૦થી વધુ કેસ નોંધાયા છે, જેમાં એકલા મુંબઈ અને પુણે સંક્રમણના મુખ્ય હોટસ્પોટ બન્યા છે, જ્યાં રાજ્યના કુલ ૬૫ ટકા દર્દીઓ નોંધાયા છે. કર્ણાટકમાં ૪૨૦૦થી વધુ કન્ફર્મ કેસ સામે આવ્યા છે, જેમાંથી ૩૦૦૦થી વધુ કેસ એકલા બેંગલુરુમાંથી જ છે. ઉત્તર પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓની હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.

 

ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલના જણાવ્યા અનુસાર, આ કોઈ નવો વાયરસ કે નવો સ્ટ્રેન નથી, પરંતુ જૂનો અને પરિચિત 'H1N1 pdm09' વાયરસ જ છે. મોટાભાગના દર્દીઓમાં તેના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જોકે, સંક્રમણના વધતા ભયને કારણે દેશભરમાં ફ્લૂ વેક્સિનની માંગ ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણી અને જુલાઈની સરખામણીએ બમણી થઈ ગઈ છે.

 

આરોગ્ય વિભાગ દ્વારા તીવ્ર તાવ, સતત ઉધરસ, ગળામાં ખરાશ, અસહ્ય શરીરનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને માસ્કનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.

(8:17 PM IST)