<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

નેપાળના વિનાશક પૂરમાં ભારતની મોટી મદદ: ટનલ રેસ્ક્યૂ ટીમ, બેલી બ્રિજ અને મેડિકલ ટીમ મોકલવાની જાહેરાત, ચીન તરફના ૪૦૦ ભારતીયો હેમખેમ

વિદેશ મંત્રાલયે આપ્યા રાહતના મોટા સમાચાર; રાહત સામગ્રી ભરેલા વિમાનો બાદ હવે NDRF અને ટેક્નિકલ ટીમો મોકલવા ભારત તૈયા૨, ભારતીય મૂળના ૧૦૦ લોકો હજુ પણ લાપતા

નવી દિલ્હી : નેપાળમાં આવેલા વિનાશક પૂરના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે પાડોશી ધર્મ નિભાવતા ભારતે મદદનો હાથ વધુ લંબાવ્યો છે. વિદેશ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે ભારત દ્વારા નેપાળમાં ખાસ ટનલ રેસ્ક્યૂ ટીમ, મેડિકલ ટીમ અને બેલી બ્રિજ મોકલવામાં આવશે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમોને તૈનાત કરવા માટે પણ ચોક્કસ ઓફર કરવામાં આવી છે, જેના પર નેપાળ સરકારના પ્રતિભાવની પ્રતીક્ષા છે.

 

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નેપાળમાં કુદરતી આપત્તિ બાદ ભારત સતત માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. રાહત સામગ્રી સાથેના બે વિમાનો અગાઉ જ નેપાળ રવાના થઈ ચૂક્યા છે, જ્યારે ત્રીજું વિમાન પણ આજે સાંજે રવાના થવાની પૂરી સંભાવના છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તૂટેલી કનેક્ટિવિટી તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવા માટે ભારતે ટેક્નિકલ ટીમો સાથે બેલી બ્રિજ પૂરા પાડવાની પણ ભેટ ધરી છે.

 

સંઘર્ષ ભરેલી આ પરિસ્થિતિ વચ્ચે એક રાહતની ખબર એ છે કે ચીન તરફના વિસ્તારમાં ફસાયેલા આશરે ૪૦૦ જેટલા ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જોકે, બીજી તરફ ભારતીય મૂળના ૧૦૦ જેટલા લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલો છે. ભારત સરકાર નેપાળી સત્તાવાળાઓના સતત સંપર્કમાં છે અને બચાવી લેવાયેલા તમામ નાગરિકોને સહીસલામત સ્વદેશ પરત લાવવાની પૂરતી વ્યવસ્થાઓ કરી રહી છે.

(8:22 PM IST)