News of Friday, 28th August 2026
વૈશ્વિક અસ્થિરતા અને મોંઘવારીના પડકારોને નેવે મૂકી ભારતીય ટાયર ઉદ્યોગની મોટી છલાંગ: પ્રથમ ત્રિમાસિકગાળામાં નિકાસ ૧૬ ટકા વધીને રૂ. ૭,૭૦૦ કરોડને વટી ગઈ
ઓટોમેટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (આટ્મા)ના આંકડાઓ અનુસાર પેસેન્જર કાર રેડિયલ ટાયરમાં ૨૧ ટકાની શાનદાર વૃદ્ધિ; યુરોપ અને અમેરિકામાં ભારતીય ટાયરની માંગ વધી

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ, ડિસ્ટર્બ થયેલી સપ્લાય ચેઈન અને ઈનપૂટ-ટ્રાન્સપોર્ટેશનના વધેલા ખર્ચ જેવા અનેકવિધ વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય ટાયર ઉદ્યોગે એક નવો રેકોર્ડ સર્જ્યો છે. 'ઓટોમેટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન' (ATMA) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડાઓ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં દેશની ટાયરની નિકાસ વાર્ષિક ધોરણે ૧૬ ટકા વધીને સીધી રૂ. ૭,૭૦૦ કરોડની સપાટી પર પહોંચી ગઈ છે.
એસોસિયેશનના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ઉદ્યોગની કુલ ટાયર નિકાસનું મૂલ્ય રૂ. ૨૭,૩૧૨ કરોડ નોંધાયું હતું, અને ચાલુ વર્ષના પ્રારંભે જ આ ગતિ વધુ તેજ બની છે. સરકારની સાનુકૂળ નિકાસ નીતિઓ અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (વેપાર કરારો) ને કારણે વૈશ્વિક બજારમાં ભારતનું ટાયરમેકિંગ અને નિકાસ હબ તરીકેનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. ખાસ કરીને પેસેન્જર કાર રેડિયલ (PCR) ટાયરની નિકાસમાં સૌથી ઊંચો ૨૧ ટકાનો આકર્ષક વૃદ્ધિદર જોવા મળ્યો છે.
આટ્માના ચેરમેન અરૂણ મેમને આ વિશે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મજબૂત નિકાસ વૃદ્ધિ સાથે નવા નાણાકીય વર્ષનો શાનદાર આરંભ થયો છે, જે વૈશ્વિક બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની વધતી સ્વીકૃતિ દર્શાવે છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં થયેલી કુલ નિકાસમાં એકલા યુરોપિયન દેશોનો હિસ્સો ૨૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૩,૦૦૩ કરોડ (એટલે કે કુલ નિકાસના ૪૦ ટકા) રહ્યો છે, જ્યારે અમેરિકા ૧૬ ટકા હિસ્સા સાથે બીજો સૌથી મોટો બજાર તરીકે ઉભરી આવ્યો છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
