<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

નેપાળમાં પૂરની ભારત-નેપાળ વેપાર પર માઠીઅસર : સોનૌલી બોર્ડર પર માલવાહક ટ્રકોની 16 કિલોમીટરથી વધુ લાંબી કતાર

કાઠમંડુ સહિત અનેક વિસ્તારોમાં સપ્લાય પ્રભાવિત થયો:. સોનૌલી માર્ગેથી દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો વેપાર થતો હોવાથી વેપારીઓ અને ટ્રકચાલકોની મુશ્કેલી વધી

નેપાળમાં આવેલા પૂર અને કુદરતી આફતની અસર જોવા મળી છે. નેપાળમાં અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતાં ભારતથી માલ લઈને જતા ટ્રકોની અવરજવર મુશ્કેલ બની છે. ખાસ કરીને ભારત-નેપાળની સોનૌલી બોર્ડર પર માલવાહક વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.

 

નેપાળમાં પૂર બાદ રસ્તાઓને નુકસાન પહોંચતા કાઠમંડુ સહિત દેશના અન્ય વિસ્તારોમાં માલવાહક વાહનોની અવરજવર ખોરવાઈ છે. પરિણામે સોનૌલી બોર્ડર પર ભારતીય વિસ્તારમાં અંદાજે 16 કિલોમીટરથી પણ વધુ લાંબી ટ્રકોની કતાર લાગી છે. આ ટ્રકો નેપાળમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે. ટ્રકોની સંખ્યા વધતા સરહદી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાપન સામે પણ પડકાર ઊભો થયો છે. લાંબા સમય સુધી વાહનો અટવાતા ટ્રક ડ્રાઈવરો અને વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે.

 

 

સોનૌલી બોર્ડર પરથી માત્ર કાઠમંડુ જ નહીં, પરંતુ નેપાળના અન્ય વિસ્તારોમાં પણ માલ મોકલવામાં આવે છે. નેપાળના અનેક માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત હોવાથી માલ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. ટ્રકોની કતાર નૌતનવા વિસ્તાર સુધી પહોંચતા હાઈવે પર પણ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે. સરહદ પર તૈનાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને વાહનોની અવરજવર નિયંત્રિત કરી રહી છે. જો નેપાળમાં રોડ કનેક્ટિવિટી ઝડપથી પુનઃસ્થાપિત નહીં થાય તો બંને દેશો વચ્ચે માલની અવરજવર અને જરૂરી ચીજવસ્તુઓના સપ્લાયમાં વધુ વિલંબ થઈ શકે છે.

 

 

નેપાળમાં આવેલા પૂરથી ત્યાં રોજગાર માટે ગયેલા ભારતના લોકો પણ પ્રભાવિત થયા છે. મહારાજગંજના જગન્નાથપુર ગામના રહેવાસી રાજ કુમાર ગૌતમ છેલ્લા એક વર્ષથી કાઠમંડુમાં ફર્નિચરનું કામ કરતા હતા. પૂર બાદ તેઓ પરત ભારત આવી રહ્યા છે. ગૌતમે પરિવારને ફોન કરીને નેપાળની સ્થિતિને ભયાવહ ગણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર અનેક પરિવારોને ભારે નુકસાન થયું છે અને લોકો સુરક્ષિત સ્થળો તરફ જવા માટે મજબૂર બન્યા છે.

 

સોનૌલી બોર્ડર ભારત અને નેપાળ વચ્ચેના મહત્વના વેપારી માર્ગોમાં સામેલ છે. મળતી માહિતી મુજબ માત્ર બે મહિનામાં આ માર્ગેથી બંને દેશો વચ્ચે આશરે 1,600 કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે. આ પ્રમાણે વાર્ષિક વેપારનો આંકડો અંદાજે 6 થી 7 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

સોનૌલી માર્ગેથી નેપાળમાં ઈંધણ, અનાજ, વાહનો અને ઓટો પાર્ટ્સ, મશીનરી, લોખંડ-સ્ટીલ ઉત્પાદનો, દવાઓ, ઈલેક્ટ્રિકલ સામાન સહિત રોજિંદા જીવનની જરૂરી ચીજવસ્તુઓ મોકલવામાં આવે છે. આપત્તિના કારણે આ સપ્લાય ચેઇન ખોરવાતા બંને દેશોના વેપારીઓ માટે ચિંતાનો માહોલ સર્જાયો છે.

(9:23 PM IST)