News of Friday, 28th August 2026
નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 320 ભારતીય નાગરિકો સાથે હજુ લાપતા : વિદેશ મંત્રાલયે આપી માહિતી
તમિલનાડુના 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા : ચીન તરફના વિસ્તારમાં ફસાયેલા આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત ;અન્ય દેશોની નાગરિકતા ધરાવતા આશરે 100 ભારતીય મૂળના લોકોનો પણ સંપર્ક થઈ રહ્યો નથી

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ભારતીય નાગરિકોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું કે નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 320 ભારતીય નાગરિકો સાથે હજુ સંપર્ક થઈ શક્યો નથી. આ ઉપરાંત અન્ય દેશોની નાગરિકતા ધરાવતા આશરે 100 ભારતીય મૂળના લોકોનો પણ સંપર્ક થઈ રહ્યો નથી.
રાહત વચ્ચે તમિલનાડુના 21 ભારતીય નાગરિકોને નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કાઠમંડુ પહોંચ્યા બાદ તેઓ શુક્રવારે દિલ્હી આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત ત્રિશૂલી-1 હાઈડ્રો પાવર પ્રોજેક્ટ (Trishuli-1)માં કામ કરતા 63 ભારતીયોને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
MEA મુજબ ચીન તરફના વિસ્તારમાં ફસાયેલા આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને પોતાના પરિવારજનોના સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ, ટ્રાવેલ એજન્ટો અને ટીમ લીડર્સ સાથે સંકલન કરીને તેમને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યું છે. બીજી તરફ ચીન તરફ ફસાયેલા 96 ભારતીયો જમીન માર્ગે નેપાળ પહોંચી ચૂક્યા છે.
ભારતે Nepal Relief Operation અંતર્ગત અત્યાર સુધી 47 ટનથી વધુ માનવતાવાદી રાહત સામગ્રી મોકલી છે. તેમાં ટેન્ટ, ધાબળા, Hygiene Kits, Solar Lamps, દવાઓ, પાણી કાઢવાના પંપ, જનરેટર અને ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. ત્રીજી રાહત ફ્લાઇટમાં અંદાજે 13 ટન વધુ જરૂરી સામગ્રી મોકલવાની તૈયારી છે.
નેપાળના આગ્રહ બાદ ભારત Tunnel Rescue Team અને Medical Team મોકલવાની તૈયારીમાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કનેક્ટિવિટી ઝડપથી પુનઃસ્થાપિત કરવા Bailey Bridge અને ટેક્નિકલ ટીમ મોકલવાનો પ્રસ્તાવ પણ ભારતે આપ્યો છે. MEAનું કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે, જ્યારે કાઠમંડુ અને બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસો પણ 24x7 Helpline દ્વારા મદદ કરી રહ્યા છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
