News of Saturday, 29th August 2026
નેપાલને ફરી ઊભું કરવા ૫૦,૦૦૦ કરોડની જરૂર પડે એવો અંદાજ

કાઠમંડુ,તા.૨૯: નેપાલમાં આવેલા મહાપૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે એમ નેપાલમાં ચૌધરી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ બિનોદ ચૌધરીએ જણાવ્યું હતું. આ મુદ્દે બોલતાં બિનોદ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘બુધવારે આવેલા વિનાશક પૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં ઓછામાં ઓછા પાંચ અબજ ડોલર (લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા)નો ખર્ચ થઈ શકે છે. જો અંતિમ ખર્ચ આ સ્તરે પહોંચે તો મને આヘર્ય થશે નહીં. ફક્ત પૈસા જ નહીં, એમાં લાગતો સમય અને મુશ્કેલ ભૂગોળ છે. આપણી સામે એક મોટો મુદ્દો છે. પાવર-સ્ટેશનોને પણ નુકસાન થયું છે. અમારું ગ્રુપ આ પ્રયાસ પર જે રકમ ખર્ચ કરશે એ ૨૦૧૫માં આવેલા ભૂકંપ બાદ કરવામાં આવેલા ખર્ચ કરતાં વધારે હશે.'
ચૌધરી ગ્રુપ ૧૨ વ્યાવસાયિક ક્ષેત્રોમાં ફેલાયેલું છે, જેમાં ખોરાક અને ટેલિકોમથી લઈને માળખાગત સુવિધાઓ અને બેન્કિંગનો સમાવેશ થાય છે. ચૌધરી ગ્રુપ સરકાર, સ્થાનિક ભાગીદારો અને સેના સાથે કામ કરી રહ્યું છે અને આગામી બે દિવસમાં વિસ્થાપિત લોકો માટે પુનર્વસન કેન્દ્રો સ્થાપવા માટે એના સ્ટાફને એકઠો કર્યો છે. ત્યાર બાદ એ ઘરો બનાવવાનું અને અસરગ્રસ્ત વ્યવસાયો અને સ્કૂલોને ટેકો આપવાનું શરૂ કરશે.
રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે ગઈ કાલે પુરીના દરિયાકિનારે નેપાલના લોકો માટે પ્રાર્થના કરતું એક રેતશિલ્પ રચ્યું હતું જેમાં પહાડી વિસ્તારમાંથી ધસમસતા પ્રવાહને કારણે સર્જાયેલી તારાજીનો ડીટેલ ચિતાર આપતું ચિત્રણ કર્યું હતું. એમાં કાદવમાં ધોવાઈ ગયેલાં ગામો, તૂટી ગયેલાં બહુમાળી મકાનો અને કાદવથી લથબથ રસ્તાઓનું નિરૂપણ કર્યું હતું. સાથે જ નેપાલની આ કુદરતી આફત માટે પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
