<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

નેપાળમાં ૬૦૦ લોકોના મોતઃ ૨૫૦૦ લાપતાઃ ૩૨૦ ભારતીયોના કોઇ સમાચાર નહીં

નેપાળમાં પૂરથી તબાહી વચ્‍ચે ફરી પૂરનો ખતરોઃ પૂરમાં ૩૬ થી વધુ પુલ ધોવાઈ ગયા હોવાથી, ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છેઃ જરૂરિયાતમંદ લોકોને રાશન, દવાઓ અને અન્‍ય આવશ્‍યક ચીજવસ્‍તુઓ પહોંચાડવામાં મુશ્‍કેલી : પહાડી વિસ્‍તારોમાં અનેક રસ્‍તાઓ અને પુલ તણાઇ જવાથી બચાવદળને ત્‍યાં સુધી પહોંચવામાં ભારે પરેશાની થઇ રહી છે

કાઠમંડુ,તા.૨૯: નેપાળમાં આવેલી ભીષણ તબાહીએ આંકડો ૬૦૦ની નજીક પહોંચાડી દીધો છે. અત્‍યાર સુધી લગભગ ૫૮૭ લોકોના મોત થઇ ચૂક્‍યા છે, જ્‍યારે ૨૫૦૦ લોકો લાપતા છે. આ આપત્તિમાં મોટી સંખ્‍યામાં ભારતીયો ફસાયેલા છે. અંદાજે ૩૨૦ ભારતીયો સહિત ભારતીય મૂળના ૧૦૦ લોકોનો હજુ સંપર્ક થઇ શક્‍યો નથી. રાહતની વાત એ છે કે તિબેટમાં ફસાયેલા લગભગ ૪૦૦ ભારતીયોનો સંપર્ક સાધવામાં સફળતા મળી છે. અને તેઓ સુરક્ષિત છે. જો કે, શનિવારે સવારે  ૬:૩૦ વાગ્‍યા સુધી ભોટેકાશી અને ત્રિશૂલી નદીમાં પાણીનું વહેણ સમાન્‍ય બતાવવામાં આવ્‍યું છે.

વરસાદા બાદ સૌથી મોટો પડકાર લોકોને શોધવાનો છે. પહાડી વિસ્‍તારોમાં અનેક રસ્‍તાઓ અને પુલ તણાઇ જવાથી બચાવદળને ત્‍યાં સુધી પહોંચવામાં ભારે પરેશાની થઇ રહી છે. નેપાલ રેડ ક્રોસના જણાવ્‍યા અનુસાર આ આપત્તિમાં ૯૦ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરની અસર જળવિદ્યુત પરિયોજનાઓ પર પડી છે. ૧૩ હાઇડ્રોપાવર પ્રોજેક્‍ટ્‍સથી જોડાયેલા અંદાજે ૯૩૩ કર્મચારી લાપતા થયા છે. જેમાં ૨૫૪ લોકોને બચાવી લેવાયા છે. બીજા અનેક સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે. એકલા અપર ત્રિશૂલી-૧ પરિયોજનાથી ૫૭૬ કર્મચારીઓનો હજુ સુધી કોઇ સંપર્ક થઇ શક્‍યો નથી.

તાજા જાણકારી અનુસાર શનિવારે સવારે ૬:૩૦ વાગ્‍યા સુધી ભોટેકાશી અને નુવાકોટથી વહેનારી ત્રિશુલી નદીમાં પાણીનું સ્‍તર સામાન્‍ય છે. પૂર આગાહી વિભાગે જણાવ્‍યું કે બન્ને નદીઓના જળસ્‍તરમાં અત્‍યારે કોઇ મોટો ઉતાર-ચઢાવ જોવા નથી મળ્‍યો.

સંકટ વચ્‍ચે ભારતના વિદેશ મંત્રાલય તરફથી એક મહત્‍વની જાણકારી સામે આવી છે. તાજા અપડેટ  અનુસાર ૩૨૦ ભારતીય અને ભારતીય મૂળના ૧૦૦ લોકો સંપર્ક વિહોણા છે. જેમાં અંદાજે ૧૦૦ લોકો ત્રિશૂલી જળવિદ્યુત પરિયોજનામાં ફસાયેલા છે.

જો કે રાહતની વાત એ છે કે તિબેટમાં ફસાયેલા લગભગ ૪૦૦ ભારતીયોનો સંપર્ક સ્‍થાપિત થઇ ચૂક્‍યો છે. અને તેઓ સુરક્ષિત છે. તો સીમાની પાસે ફસાયેલા ૯૬ ભારતીય નેપાળ પહોંચી ચૂક્‍યા છે. ભારતે નેપાળની મદદ માટે રાહત સામગ્રીની બે ખેપ મોકલી છે.

પૂરમાં ૩૬ થી વધુ પુલ ધોવાઈ ગયા હોવાથી, ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છે. આના કારણે જરૂરિયાતમંદ લોકોને રાશન, દવાઓ અને અન્‍ય આવશ્‍યક ચીજવસ્‍તુઓ પહોંચાડવામાં મુશ્‍કેલી પડી રહી છે. રસ્‍તાઓને ઝડપથી ફરીથી જોડવા માટે, નેપાળે ભારત અને ચીન પાસેથી ૪૨ બેલી બ્રિજ બનાવવા માટે મદદ માંગી છે.

૨,૩૯૧ સૈન્‍ય કર્મચારીઓ સહિત કુલ ૭,૪૫૧ સુરક્ષા કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. ટીમો કાટમાળમાં ગુમ થયેલા લોકોને સતત શોધી રહી છે. દરમિયાન, ભોટેકોશી નદીના ઉપરના ભાગમાં બનેલા તળાવ પર પણ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે તેના ભંગાણથી ફરીથી પૂરનું જોખમ ઊભું થઈ શકે છે.

(1:10 PM IST)