<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

આગામી સંસદનું સત્ર સપ્‍ટેમ્‍બરના બીજા સપ્તાહમાં યોજાશેઃ સીમાંકન અને મહિલા અનામત બિલ મુખ્‍ય એજન્‍ડા

ચોમાસુ સત્રના સસ્‍પેન્‍સ વચ્‍ચે કેબિનેટ ફેરબદલ, વિપક્ષી નેતાઓ સાથેની ગુપ્ત બેઠકો અને નવા બિલ લાવવાનો સરકારનો માસ્‍ટરસ્‍ટ્રોક

નવી દિલ્‍હી, તા.૨૯: દેશના રાજકારણમાં એક મોટા ધમાકાની તૈયારીઓ ચાલી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. દિલ્‍હીના રાજકીય ગલિયારામાં ચાલતી જોરદાર ચર્ચાઓ મુજબ, સરકાર સપ્‍ટેમ્‍બરના બીજા અઠવાડિયામાં સંસદનું એક અત્‍યંત મહત્‍વપૂર્ણ સત્ર બોલાવવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ પ્રસ્‍તાવિત સત્રમાં ‘સીમાંકન' અને ‘મહિલા અનામત' જેવાં દેશની રાજકીય દિશા બદલી નાખનારાં ઐતિહાસિક બિલો રજૂ થાય તેવી પ્રબળ શકયતા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના વિદેશ પ્રવાસથી પાછા ફર્યા બાદ સંભવિત કેબિનેટ ફેરબદલની પણ અટકળો છે, જેની સાથે જ સંસદીય રણનીતિકારોએ આ મહત્‍વકાંક્ષી યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

વિપક્ષ છેલ્લા કેટલાક સમયથી ચોમાસુ સત્ર ઔપચારિક રીતે સમાપ્ત ન થવા પર સતત સવાલો ઉઠાવી રહ્યો હતો,પરંતુ, ૧૩ ઓગસ્‍ટે લોકસભા અધ્‍યક્ષે ગળહને માત્ર ‘અનિશ્‍ચિત સમય માટે મુલતવી'કર્યું હતું, સત્ર સમાપ્ત કર્યું નહોતું. આ ટેકનિકલ ચોર દરવાજો ખુલ્લો રાખીને સરકારે નવા સત્રની લાંબી પ્રક્રિયા વગર જ ટૂંકી નોટિસ પર સત્ર ચાલુ કરવાનો અને પોતાના સપનાના બિલો પસાર કરાવવાનો માર્ગ એકદમ સરળ બનાવી દીધો છે.

આ મહા-રણનીતિને સફળ બનાવવા માટે સરકારે વિપક્ષી ખેમામાં પણ મોટાપોપડા પાડવાનું શરૂ કરી દીધું છે. સત્તાધારી પક્ષ છેલ્લા કેટલાક દિવસોથી અકાલી દળ, શરદ પવાર જૂથની NCP અને તમિલનાડુની DMK જેવા નાના અને પ્રાદેશિક પક્ષોના શિર્ષ નેતાઓ સાથે સતત પડદા પાછળ સંવાદ સાધી રહ્યો છે. વિપક્ષી સૂર ધીમે-ધીમે નરમ પડી રહ્યા છે ત્‍યારે સરકાર આ સોનેરી રાજકીય તક ઝડપી લેવા માંગે છે. જોકે, સરકારે હજુ સુધી સત્રની સત્તાવાર તારીખો કે એજન્‍ડા અંગે કોઈ સત્તાવાર મહોર મારી નથી, પરંતુ આગામી દિવસોમાં દેશના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવે તે લગભગ નક્કી જ દેખાઈ રહ્યું છે.

(2:48 PM IST)