<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પ્રલયના મોજાં વચ્‍ચે બાલ્‍કનીમાં ફસાયેલો પરિવાર સહીસલામત બહાર આવ્‍યો

નેપાળના વિનાશક ફલેશ ફલડમાં આસપાસની ઇમારતો જમીનદોસ્‍ત થઈ ગઈ હોવા છતાં આછા લીલા રંગનું બે માળનું મકાન અડીખમ ઊભું રહ્યું હતું : બાલ્‍કનીમાં ફસાયેલો પરિવાર સહીસલામત બચી જતાં સોશિયલ મીડિયા પર લોકોએ રાહતનો શ્વાસ લીધો અને મકાનના મજબૂત ગુણવત્તાયુક્‍ત બાંધકામની ભારે પ્રશંસા કરી

કાઠમંડુ તા.૨૯: નેપાળમાં આવેલા વિનાશક ફલેશ ફલડ વચ્‍ચે કુદરતના ચમત્‍કાર અને માનવ જીવન બચી જવાની એક અદ્ભુત તસવીર સામે આવી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા વીડિયો મામલે ચારે તરફ પાકાં મકાનો તણાઈ જવા છતાં એક લીલા રંગનું મકાન પૂરના પ્રચંડ મોજાં સામે અડીખમ ઊભું રહ્યું હતું અને તેમાં ફસાયેલા પરિવારજનો સુરક્ષિત બચી ગયા છે.

નેપાળ અને તિબેટ સરહદી વિસ્‍તારોમાં આવેલા ભયાનક પૂર અને કાદવના પ્રચંડ પ્રવાહે સેંકડો ઘરો, રસ્‍તાઓ અને પુલોને ક્ષણભરમાં જમીનદોસ્‍ત કરી દીધા છે. આ ભયાવહ તારાજી વચ્‍ચે ઇન્‍ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોએ સમગ્ર વિશ્વનું ધ્‍યાન ખેંચ્‍યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આસપાસની મજબૂત ઇમારતો ધરાશાયી થઈને પાણીના તેજ વહેણમાં ગાયબ થઈ ગઈ હતી, પરંતુ આછા લીલા રંગનું બે માળનું મકાન પૂરના પ્રચંડ દબાણ અને પથ્‍થરોના પ્રહાર સામે પણ એક ઇંચ પણ ડગ્‍યા વિના અડીખમ ઊભું રહ્યું. આ વીડિયો સામે આવ્‍યા બાદ સોશિયલ મીડિયા પર લોકો ઘરની અંદર ફસાયેલા લોકોના જીવન માટે પ્રાર્થના કરવા લાગ્‍યા હતા.

બાલ્‍કનીમાં અટવાયેલો પરિવારઃ વીડિયોમાં દેખાતું હતું કે ઘરની બીજી મંઝિલની બાલ્‍કનીમાં પરિવારના સભ્‍યો લાચાર બનીને નીચે વહેતા કાળમુખા પૂરને જોઈ રહ્યા હતા.

વિનાશક પ્રવાહઃ પાણીનું સ્‍તર ઝડપથી વધી રહ્યું હતું અને વિશાળ પથ્‍થરો તથા કાટમાળ ઘરની દીવાલો સાથે અથડાઈ રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર ચિંતાઃ લાખો યુઝર્સે આ ક્‍લિપ જોઈને પરિવારની સુરક્ષા અંગે ઊંડી ચિતા વ્‍યક્‍ત કરી હતી અને તેઓ જીવતા બચે તેવી આશા રાખી રહ્યા હતા.

પ્રથમ વીડિયો વાયરલ થયાના થોડા કલાકો બાદ તે જ સ્‍થળનો વધુ એક નવો વીડિયો સામે આવ્‍યો હતો, જેણે સૌને રાહત આપી હતી.પૂરનું પાણી ઓસર્યા બાદ લેવાયેલા આ ફૂટેજમાં પુષ્ટિ થઈ હતી કે લીલા મકાનમાં ફસાયેલા પરિવારના તમામ સભ્‍યો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને સ્‍થાનિક બચાવ ટુકડીઓ દ્વારા સલામત સ્‍થળે ખસેડી લેવામાં આવ્‍યા છે. આસપાસ ભારે કાદવ અને તબાહીના ઢગલા વચ્‍ચે આ મકાનને સામાન્‍ય નુકસાન સિવાય કોઈ મોટો ફટકો પડ્‍યો નહોતો. આ બંને ક્‍લિપ્‍સને કરોડો લોકો જોઈ ચૂક્‍યા છે.

આ સ્‍ટોરી એન્‍જિનિયરિગ અને માનવ સંઘર્ષની જીત તરીકે ચર્ચામાં છે. યુઝર્સ અને નિષ્‍ણાતો આ મકાનની મજબૂત પાયાની રચના અને બાંધકામ ગુણવત્તાના ભરપૂર વખાણ કરી રહ્યા છે. કુદરતી આપત્તિઓના સંભવિત વિસ્‍તારોમાં સાચી ગુણવત્તાવાળા મટીરીયલ અને આધુનિક એન્‍જિનિયરિગથી બનેલા મકાનો મુશ્‍કેલ સમયે કેવી રીતે ઢાલ બનીને કિમતી માનવ જિંદગીઓ બચાવી શકે છે, તેનો આ જીવંત દાખલો છે.

(3:08 PM IST)