News of Saturday, 29th August 2026
જેલમાં બંધ ઇમરાન ખાનની દુર્દશા યાદ કરી કેમેરા સામે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા જાવેદ મિયાંદાદ
1992ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં કથળતી જતી તંદુરસ્તી અને 85% આંખોની રોશની ગુમાવવાના દાવા વચ્ચે તેમના જૂના સાથીદારે લાગણીસભર અપીલ કરીને પાકિસ્તાન સરકારી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર જોડીઓમાંના એક એવા જાવેદ મિયાંદાદ અને ઇમરાન ખાનનો સંબંધ માત્ર ક્રિકેટના મેદાન સુધી સીમિત નહોતો, પરંતુ આજે પણ તેમની વચ્ચેની અતૂટ દોસ્તી દુનિયા જોઈ રહી છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની કથળતી જતી તંદુરસ્તી પર ચિંતા વ્યક્ત કરતી વખતે પાકિસ્તાની ક્રિકેટ દિગ્ગજ જાવેદ મિયાંદાદ ભાવુક થઈને કેમેરા સામે જ રડી પડ્યા હતા. એક યુટ્યુબ ઇન્ટરવ્યુ દરમિયાન મિયાંદાદે પોતાના પૂર્વ કેપ્ટનની પ્રામણિકતાનો બચાવ કરતાં કહ્યું કે, "હું તેમને ખૂબ નજીકથી ઓળખું છું, તે કોઈ ભ્રષ્ટ વ્યક્તિ નથી. જો તમે તેને જેલમાંથી બહાર કાઢશો તો શું તે કોઈને ખાઈ જશે? તે પણ કોઈનો દીકરો છે."
આ વિવાદ વધુ ત્યારે ઘેરો બન્યો જ્યારે ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્સ ટેસ્ટના લંચ બ્રેક દરમિયાન ઇમરાન ખાનના પુત્રો, સુલેમાન અને કાસિમે સ્કાય સ્પોર્ટ્સ સાથે વાત કરતા ચોંકાવનારા દાવો કર્યા હતા. કાસિમે આરોપ લગાવ્યો હતો કે તેમના પિતાને દિવસમાં 23 કલાકથી વધુ સમય માટે અત્યંત નાની જેલ કોટડીમાં એકલા રાખવામાં આવી રહ્યા છે અને સારવારના અભાવે તેમની આંખોની 85% રોશની જતી રહી છે. તેમના પરિવારનો દાવો છે કે જેલ પ્રશાસન અને તંત્ર ઇમરાન ખાનનો અવાજ કાયમ માટે બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્કાય સ્પોર્ટ્સ પર આ ઇન્ટરવ્યુ પ્રસારિત થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારે ગુસ્સે ભરાયું હતું અને આ વિરોધમાં ટીમ ઉતારવાનો ઇનકાર કરીને ચેનલ સામે સત્તાવાર ફરિયાદ પણ નોંધી હતી.
ઇમરાન ખાનની આ ગંભીર પરિસ્થિતિ પર માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભારતના મહાન ખેલાડીઓ સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્રેગ ચેપલ તેમજ વર્તમાન કેપ્ટન પેટ કમિન્સે પણ આ મામલે પોતાનો અવાજ ઉઠાવી માનવતાના ધોરણે ઇમરાનને યોગ્ય તબીબી સારવાર આપવાની માંગ કરી છે. 1992ના વર્લ્ડ કપની ફાઇનલમાં 24 રને 2 વિકેટ ગુમાવ્યા બાદ 139 રનની ઐતિહાસિક ભાગીદારી કરીને દેશને વિશ્વવિજેતા બનાવનાર આ જોડીમાંથી આજે એક દોસ્ત જેલના સળિયા પાછળ છે અને બીજો દોસ્ત તેના સ્વાસ્થ્ય અને ન્યાય માટે આખી દુનિયા સામે આંસુ સારી રહ્યો છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
