<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

શું તમે પોતાને ભગવાન સમજો છો?": મહારાષ્ટ્ર FDA ના અધિકારીઓ પર ઉશ્કેરાઈ બોમ્બે હાઈકોર્ટ : આપી જેલ મોકલવાની ચેતવણી

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના BKC સંકુલમાં સ્થિત ૫ જાણીતી રેસ્ટોરન્ટ્સના લાઈસન્સ રદ કરવાના આદેશને ફગાવતાં કોર્ટે તંત્રની હઠીલાઈ સામે લાલ આંખ કરી : ૮૮% નિયમોનું પાલન થતું હોવા છતાં લાઈસન્સ બહાલ ન કરાતાં હાઈકોર્ટે અધિકારીઓની મનમાનીનો પર્દાફાશ કર્યો

મુંબઈ:  નિયમોના નામે વેપારીઓ અને સંસ્થાઓને હેરાન કરતી સરકારી એજન્સીઓ સામે બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત આકરો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના BKC સંકુલમાં આવેલી પાંચ અગ્રણી રેસ્ટોરન્ટ્સના ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ કરવાના મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના આદેશને સંપૂર્ણપણે રદ કરતાં હાઈકોર્ટે તંત્રને સખત ઠપકો આપ્યો છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકરની બેન્ચે FDA ની કામગીરી અને જીદ સામે ગંભીર સવાલો ઊભા કરતાં અધિકારીઓને સીધી જેલની સજા અને અદાલતી અવમાનનાની (Contempt of Court) કાર્યવાહીની ચેતવણી આપી છે. કોર્ટે તમામ ૫ રેસ્ટોરન્ટ્સને તાત્કાલિક ધોરણે ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટની બેન્ચે FDA ના અડિયલ વલણ પર તીખા પ્રહારો કરતાં પૂછ્યું હતું કે, "શું FDA અધિકારીઓ પોતાને કાયદાથી પણ ઉપર અને 'ભગવાન' માને છે કે જે મનફાવે તેવું વર્તન કરશે?" ન્યાયાધીશોએ કડાકો લેતાં ટિપ્પણી કરી હતી કે સામાન્ય કે નાની ખામીઓ સુધારવા માટે "મચ્છર મારવા તલવાર ચલાવવાની" કોઈ જરૂર હોતી નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અધિકારીઓને વારંવાર કાયદાનું ભાન કરાવવા છતાં તેમનામાં કોઈ સુધારો આવતો નથી, જેથી હવે આવા સરકારી અમલદારો સામે કડક ચુકાદો આપવાનો સમય આવી ગયો છે. બેન્ચે FDA ને આદેશ આપ્યો હતો કે તેઓ અદાલત સમક્ષ પોતાની ભૂલ સ્વીકારીને સંતોષકારક જવાબ રજૂ કરે નહિતર સીધા જેલ જવા તૈયાર રહે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે FDA એ સંકુલમાં સ્વચ્છતા અને થર્ડ-પાર્ટી ઓપરેશનના ટેકનિકલ મુદ્દાઓ દર્શાવીને રેસ્ટોરન્ટ્સના લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા. MCA ના નામે લાઈસન્સ ધરાવતી આ રેસ્ટોરન્ટ્સનું સંચાલન મેસર્સ શિર્કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવતું હતું. કોર્ટના આદેશ બાદ કરવામાં આવેલા તાજેતરના સરકારી નિરીક્ષણ માં જાણવા મળ્યું હતું કે તમામ રેસ્ટોરન્ટ્સ ૮૮% જેટલું ખાદ્ય સુરક્ષા નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. આટલો ઊંચો સ્કોર હોવા છતાં FDA ના અધિકારીઓએ સસ્પેન્શન હટાવવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સંકેત આપ્યો છે કે ખાદ્ય સુરક્ષા અને નિયમોનું પાલન કરાવવું અનિવાર્ય છે, પરંતુ અધિકારીઓએ જમીની વાસ્તવિકતા સમજ્યા વિના ઝીણી બાબતોમાં ગભરાટ ફેલાવીને વેપાર-ધંધા બંધ કરાવવાની મનમાની બંધ કરવી પડશે.

(6:33 PM IST)