News of Saturday, 29th August 2026
દલિત અનામતમાં ક્રીમી લેયર અને પેટા-વર્ગીકરણ મુદ્દે NDAમાં મોટો ભડકો: ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમના પુત્રનું રાજીનામું માગ્યું
જો પિતા-પુત્ર અનામતના બંધારણીય સ્વરૂપમાં ફેરફાર ઇચ્છતા હોય તો તેમણે તાત્કાલિક મંત્રી પદ પરથી રાજીનામું આપીને ગૃહમાં ચર્ચા કરવી જોઈએ : સણસણતો પ્રહાર

પટના: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની અંદર દલિત રાજકારણને લઈને મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાની જ ગઠબંધન સરકારના સહયોગી અને હિન્દુસ્તાન આવામી મોરચાના સંસ્થાપક જીતન રામ માંઝી સામે સીધો બળવો પોકાર્યો છે. બિહારના મંત્રી અને માંઝીના પુત્ર સંતોષ સુમન દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામતના પુનઃમૂલ્યાંકન તેમજ પેટા-વર્ગીકરણ (કોટાની અંદર કોટા)ની વકાલાત કરવામાં આવ્યા બાદ ચિરાગ પાસવાન અત્યંત આક્રમક મૂડમાં આવી ગયા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આ નેતાઓ અનામતમાં ક્રીમી લેયર અથવા પેટા-વર્ગીકરણ લાગુ કરવાની તરફેણ કરતા હોય, તો તેમણે નૈતિકતાના આધારે મંત્રી પદ પરથી તુરંત રાજીનામું આપી દેવું જોઈએ.
આ વિવાદનું મુખ્ય કારણ SC-ST અનામતનો મૂળ બંધારણીય આધાર છે. ચિરાગ પાસવાને પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણ નિર્માતાઓએ દલિતો માટે અનામતની વ્યવસ્થા સદીઓથી ચાલી આવતી અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવના નિર્મૂલન માટે કરી હતી, નહિ કે આર્થિક પછાતપણાના આધારે. તેમણે ચેતવણી આપી હતી કે જો દલિત સમાજને 'દલિત અને મહાદલિત' કે અન્ય નાના જૂથોમાં વિભાજિત કરવામાં આવશે, તો તેમની સામાજિક અને રાજકીય એકતા ખતમ થઈ જશે અને અંતે અનામતનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જશે. તેમણે ઉમેર્યું કે બંધારણમાં ફેરફારની વાતો સત્તામાં રહીને કરવાને બદલે, મંત્રી પદેથી રાજીનામું આપી સામાન્ય સાંસદ તરીકે સંસદના ગૃહમાં આવીને કરવી જોઈએ.
બીજી તરફ, જીતન રામ માંઝી અને તેમના પુત્ર સંતોષ સુમનનો તર્ક છે કે SC અનામતનો લાભ માત્ર કેટલીક પ્રભાવશાળી જાતિઓ સુધી જ સીમિત રહ્યો છે. તેમની દલીલ મુજબ, અત્યંત પછાત અને વંચિત દલિત સમુદાયો સુધી અનામતના મૂળ સુફળ પહોંચાડવા માટે અનામતની અંદર પેટા-વર્ગીકરણ અને ક્રીમી લેયર અત્યંત જરૂરી છે. પિતા-પુત્રની આ માંગણીથી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ NDA ની અંદર દલિત રાજકારણનું મોટું રાજકીય યુદ્ધ છેડાઈ ગયું છે, જેણે કેન્દ્ર અને બિહાર સરકાર બંને માટે ભારે ધર્મસંકટ ઊભું કર્યું છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
