News of Saturday, 29th August 2026
ગુડ ન્યૂઝ: શું સસ્તા થશે સ્માર્ટફોન? 12 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની 57મી બેઠકમાં મોબાઈલ પર ટેક્સ ઘટાડવા અંગે થઈ શકે છે મોટો નિર્ણય
GST કાઉન્સિલની 57મી બેઠકમાં સ્માર્ટફોન પર લાગતા 18 ટકા GSTને ઘટાડીને 5 ટકા કરવાની વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સની માંગ પર ગંભીર વિચારણા : આ નિર્ણયથી ચિપસેટ અને મેમરીના ભાવવધારાથી પીડાતા ટેક માર્કેટ અને સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળવાની શક્યતા

નવી દિલ્હી: ભારતના સ્માર્ટફોન માર્કેટ અને ટેક રસિકો માટે 12 સપ્ટેમ્બરે યોજાનારી GST કાઉન્સિલની 57મી બેઠક અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. ગયા વર્ષે યોજાયેલી 56મી બેઠકમાં GST દરોનું સરળીકરણ કરીને 12% અને 28% ના સ્લેબ દૂર કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. પરંતુ ત્યારબાદ વૈશ્વિક સ્તરે ચિપ મેમરી અને સેમિકન્ડક્ટરના ભાવમાં 400 ટકાથી વધુનો આસમાને પહોંચેલો ઉછાળો સ્માર્ટફોન ઉત્પાદકો માટે ભારે માથાનો દુખાવો બન્યો હતો. ઉત્પાદન ખર્ચ વધવાને કારણે સ્માર્ટફોનની કિંમતોમાં અચાનક 20 ટકા સુધીનો મોટો વધારો થયો હતો, જેની સીધી પ્રતિકૂળ અસર દેશમાં મોબાઈલ હેન્ડસેટના એકંદર વેચાણ પર પડી છે.
આ આર્થિક મંદી અને વધતી કિંમતોમાંથી માર્કેટને બહાર લાવવા માટે દેશના તમામ અગ્રણી મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદકો અને વેપારી સંગઠનોએ સરકાર સમક્ષ ગુહાલ લગાવી છે. તેમણે સત્તાવાર માંગ કરી છે કે મોબાઈલ ફોન પર હાલમાં વસૂલવામાં આવતા 18 ટકા GST દરને તાત્કાલિક ધોરણે ઘટાડીને 5 ટકા કરવામાં આવે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ માંગ પર સકારાત્મક વલણ ધરાવે છે. જો 12 સપ્ટેમ્બરે આ ટેક્સ કાપ પર મંજૂરીની મહોર વાગશે, તો આગામી તહેવારોની સિઝન પહેલા ગ્રાહકોને નવા સ્માર્ટફોનની ખરીદી પર હજારો રૂપિયાની સીધી બચત થઈ શકે છે.
ટેક્સના દરોમાં ઘટાડા ઉપરાંત, આ બેઠકમાં વેપારીઓ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી પૂરતી શક્યતા છે. આવકવેરા રિટર્નની તર્જ પર GST રિટર્ન ફાઇલિંગ સિસ્ટમને વધુ પારદર્શક, ઝડપી અને સરળ બનાવવાની યોજના છે. એક ચોક્કસ મર્યાદિત સમયમર્યાદામાં રિટર્ન ફાઇલ કરી શકાય તે માટે નવા ડિજિટલ ફ્રેમવર્ક પર વિચારણા કરવામાં આવશે. જો આ સુધારાઓ અમલી બનશે તો દેશમાં વેપાર સુગમતા વધવાની સાથે સામાન્ય નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વધુ પરવડે તેવા બનશે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
