<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

નેપાળમાં જળપ્રલય વચ્ચે માનવતા શરમાઈ: પૂરમાં તણાઈ આવેલા બેંકના લોકરમાંથી રૂ. ૯૨ લાખની મત્તા લૂંટનારા ૨૯ શખ્સો જેલભેગા

મૃતદેહ પરથી દાગીના ચોરનારા બે પાપીઓ પણ ઝડપાયા; તિબેટમાં વધુ એક સરોવર ફાટતાં નેપાળ પર ફરી ભયાનક પૂરનું સંકટ ઘેરાયું

કાઠમંડુ : વિનાશક ફ્લેશ ફ્લડના કારણે નેપાળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ભયાનક બની ગઈ છે. હોનારતના ચોથા દિવસે પણ રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ૬૨૬ થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે અને ૨,૪૨૬ લોકો હજુ પણ લાપત્તા છે. પરંતુ આ કુદરતી આપત્તિ વચ્ચે કેટલીક એવી શરમજનક ઘટનાઓ સામે આવી છે જેણે માનવતાને લજવી મૂકી છે.

 

ચોંકાવનારી વિગત મુજબ, ત્રિશૂલી નદીના કિનારે પૂરમાં તણાઈને આવેલા એક બેંક લોકરને કેટલાક અસામાજિક તત્વોએ તોડીને તેમાંથી કરોડો રૂપિયાની રકમ સેરવી લીધી હતી. આ કિસ્સામાં નેપાળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પવન પૌડેલ, વીરબહાદુર રાના મગર, વિનોદ ગિરી સહિત ૨૯ શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૯૨ લાખ ૬૮ હજાર ૫૦૫ નેપાળી રૂપિયા રિકવર કર્યા છે. આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કાળજું કંપાવનારા વીડિયોમાં એક શખ્સ પૂરના પાણીમાં તણાઈ આવેલા મહિલાના મૃતદેહના કાનમાંથી સોનાની બુટ્ટીઓ ચોરતો નજરે પડ્યો હતો. પોલીસે આ અમાનવીય કૃત્ય કરનારા બે લોકોની પણ ધડપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

 

બીજી તરફ, નેપાળ પરથી કુદરતી આફતનું સંકટ હજુ ટળ્યું નથી. તિબેટ નજીક વધુ એક હિમનદી આધારિત સરોવર (ગ્લેશિયલ લેક) ફાટવાની આશંકા સામે આવી છે, જેના કારણે નેપાળની નદીઓમાં ફરી એકવાર ભયાનક પૂર આવવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. જેને પગલે તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરીને બચાવ ટુકડીઓને સાબદી કરી દેવામાં આવી છે.

(7:23 PM IST)