<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ડેનમાર્કમાં ૧૩૦૦ વર્ષ જૂની કબરમાથી વાઇકિંગ યુગની મહિલાના વસ્ત્રો સચવાયેલા મળ્યા: વિજ્ઞાન અને ઈતિહાસનો અદ્ભુત ચમત્કાર!

ધાતુના દાગીનાથી નીકળેલા ક્ષારે કાપડને સડવાથી બચાવ્યું; રંગીન વસ્ત્રો અને દાંતના સંશોધનથી વાઇકિંગ સમાજના રહસ્યો પરથી પડદો ઊંચકાશે

કોપનહેગન : ડેનમાર્કના પશ્ચિમ જટલેન્ડમાં પુરાતત્વવિદોને એક એવી ભવ્ય અને અદ્ભુત સફળતા સાંપડી છે જેણે ઈતિહાસકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ૮મી સદીની એક વાઇકિંગ યુગની મહિલાની કબરમાથી ૧,૩00 વર્ષ જૂના અતિ બારીક કાપડના અવશેષો સુરક્ષિત હાલતમાં મળી આવ્યા છે. સામાન્ય રીતે જટલેન્ડની અત્યંત એસિડિક માટીમાં કોઈ પણ કાપડ કે તંતુઓ થોડા જ સમયમાં નષ્ટ થઈ જાય છે, પરંતુ આ કિસ્સામાં ધાતુના દાગીનાએ એક કુદરતી ટાઈમ કેપ્સ્યુલ તરીકે કામ કર્યું છે.

 

સંશોધકોના જણાવ્યા મુજબ, મૃતક મહિલાના ધડ પર પહેરાવાયેલા બે ધાતુના બ્રોચ (દાગીના) ને કારણે આ ચમત્કાર શક્ય બન્યો છે. સદીઓ દરમિયાન જ્યારે આ બ્રોચને કાટ લાગ્યો, ત્યારે તેમાંથી નીકળેલા ધાતુના ક્ષાર આસપાસની માટીમાં ભળી ગયા હતા. આ ક્ષારે એક એવું રાસાયણિક કવચ પૂરું પાડ્યું જેણે બેક્ટેરિયા અને ફૂગને પનપવા ન દીધા અને કાપડના તંતુઓ સડી જતાં અટકી ગયા. આમ, જે બ્રોચ મહિલા જીવતી હતી ત્યારે તેના કપડાં પકડી રાખતો હતો, તેણે તેના મૃત્યુના ૧૩૦૦ વર્ષ પછી પણ તેના વસ્ત્રોને સુરક્ષિત રાખ્યા છે.

 

વિજ્ઞાનીઓ હવે આ અવશેષોના આધારે વાઇકિંગ યુગની ફેશન, વણાટ શૈલી અને મહિલાની સામાજિક સ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છે. 'ટેક્સટાઇલ કલર્સ ઓફ ધ વાઇકિંગ એજ' પ્રોજેક્ટ હેઠળ કાપડના રંગોનું વિશ્લેષણ કરાશે, કારણ કે એ જમાનામાં રંગીન કપડાં માત્ર અમીર વર્ગની સ્ત્રીઓ જ પહેરતી હતી. આ ઉપરાંત, કબરમાથી સચવાયેલા દાંતના આઈસોટોપ એનાલિસિસ અને સી-૧૪ રેડિયોકાર્બન ડેટિંગ દ્વારા મહિલાની ઉંમર, ખોરાક, સ્વાસ્થ્ય અને તે જમાનાના અન્ય રહસ્યો પરથી પણ પડદો ઊંચકાશે.

(7:44 PM IST)