<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

૯/૧૧ આતંકી હુમલાના કેસમાં અમેરિકી સરકારને સખત આંચકો: લશ્કરી ન્યાયાધીશે માસ્ટરમાઇન્ડ ખાલિદ શેખ મોહમ્મદની FBI સમક્ષની કબૂલાત ફગાવી

CIA ના આકરા મનોવૈજ્ઞાનિક ત્રાસ અને બળજબરી હેઠળ લેવાયેલા નિવેદનો અસ્વીકાર્ય: મિલિટ્રી જજે ૪૫ પાનાના આદેશમાં અમેરિકી તપાસ એજન્સીઓની આકરી ઝાટકણી કાઢી

વોશિંગ્ટન : વર્ષ ૨૦૦૧ માં ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર થયેલા ભયાનક ૯/૧૧ આતંકવાદી હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ ખાલિદ શેખ મોહમ્મદ સામેના કેસમાં અમેરિકી સરકાર અને ફરિયાદી પક્ષને બહુ મોટો કાનૂની આંચકો લાગ્યો છે. એક મિલિટ્રી જજે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે ખાલિદ શેખે ૨૦૦૭માં ગ્વાન્ટાનામો બે ખાતે FBI એજન્ટો સમક્ષ આપેલા કબૂલાતનો ઉપયોગ ટ્રાયલ દરમિયાન તેની સામે પુરાવા તરીકે કરી શકાશે નહીં, કારણ કે સરકાર આ નિવેદનો સ્વેચ્છાએ આપવામાં આવ્યા હતા તે સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.

 

લશ્કરી ન્યાયાધીશ લેફ્ટનંત કર્નલ માઈકલ શ્રામાએ પોતાના ૪૫ પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે ૨૦૦૩માં પકડાયા બાદ ખાલિદ શેખ મોહમ્મદને સીઆઈએ (CIA) ની ગુપ્ત જેલોમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેની સાથે ૧૮૩ વાર 'વોટરબોર્ડિંગ' સહિત અત્યંત ક્રૂર અને અમાનવીય ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. ન્યાયાધીશે અવલોકન કર્યું કે ૨૦૦૭માં એફબીઆઈની પૂછપરછ વખતે પણ આ માનસિક દબાણ અને ત્રાસની અસર સતત ચાલુ હતી. વધુમાં, એફબીઆઈ એજન્ટો તેને કાયદાકીય અધિકારો અને વકીલની સલાહ લેવા અંગે સ્પષ્ટ જાણ કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.

 

આ નિર્ણયને કારણે ૨૦૧૨થી અટવાયેલી અને જૂન ૨૦૨૮થી શરૂ થનારી ટ્રાયલમાં વધુ વિલંબ થવાની પ્રબળ આશંકા ઊભી થઈ છે, કારણ કે આ કબૂલાત જ સરકારી પક્ષનો સૌથી મજબૂત પુરાવો હતો. હુમલાની ૨૫મી વર્ષગાંઠ નજીક આવી રહી છે ત્યારે પીડિત પરિવારોમાં ન્યાય મળવામાં થઈ રહેલા સતત વિલંબને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, કાનૂની અડચણો છતાં અમેરિકી તંત્ર ખાલિદ શેખ મોહમ્મદને ગ્વાન્ટાનામોની અટકાયત નીતિ હેઠળ અનિશ્ચિત મુદત સુધી જેલમાં રાખી શકશે.

(7:59 PM IST)