News of Saturday, 29th August 2026
ગલવાન અને ડોકલામ વિવાદના સૂત્રધાર જનરલ ઝાઓ ઝોંગકી પર શી જિનપિંગની ગાજ: ચીનની ટોચની સંસ્થામાંથી આકરા પાણીએ હાંકી કઢાયા!
ચીની સેના (PLA) માં રાષ્ટ્રપતિ જિનપિંગનું 'મહા-સફાઈ' અભિયાન યથાવત; ભારત સરહદે તનાવ પેદા કરનાર પૂર્વ વેસ્ટર્ન થિયેટર કમાન્ડરનું પદ છીનવાયું

બેઇજિંગ : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) માં આંતરિક સફાઈ અભિયાન વધુ આક્રમક બનાવતા ભારત સાથેના સરહદી વિવાદો સાથે જોડાયેલા ભૂતપૂર્વ જનરલ ઝાઓ ઝોંગકીને દેશની સર્વોચ્ચ રાજકીય સલાહકાર સંસ્થામાંથી આકરા પાણીએ દૂર કરી દીધા છે. જનરલ ઝાઓ એ જ અધિકારી છે જેણે ૨૦૧૭ ના ડોકલામ સ્ટેન્ડઓફ અને ૨૦૨૦ ની ગલવાન ખીણની હિંસક અથડામણ વખતે ચીનની સરહદ સાચવતી પીએલએની 'વેસ્ટર્ન થિયેટર કમાન્ડ' નું નેતૃત્વ કર્યું હતું.
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, જનરલ ઝાઓને ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સ (CPPCC) તેમજ અન્ય બે મહત્વના હોદ્દા પરથી તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે. જોકે, બેઇજિંગે તેમને પદભ્રષ્ટ કરવા પાછળનું ચોક્કસ કારણ કે તેમની સામે ચાલતી કોઈ તપાસ અંગે સત્તાવાર મૌન જાળવ્યું છે. અમેરિકી ગુપ્તચર અહેવાલો મુજબ, ૨૦૨૦ માં ભારતીય સેનાને "પાઠ ભણાવવા" ના ઈરાદાથી ગલવાન ખીણમાં ઘૂસણખોરી અને હુમલાની યોજનાને મંજૂરી આપનાર જનરલ ઝાઓ જ મુખ્ય માસ્ટરમાઇન્ડ હતા.
ચીનમાં છેલ્લા કેટલાક સમયથી સેનાના વરિષ્ઠ અધિકારીઓ, શસ્ત્ર ખરીદી વિભાગ અને થિયેટર કમાન્ડરો સામે મોટા પાયે બરતરફીની પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં જ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના વડા શી જિનપિંગે સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC) માંથી બે અત્યંત વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ ઝાંગ યુક્સિયા અને લિયુ ઝેનલીને પણ હટાવી દીધા હતા. વિશ્લેષકોના મતે, સેનામાં વધી રહેલા ભ્રષ્ટાચાર અને જિનપિંગ સામેના આંતરિક અસંતોષને કચડી નાખવા માટે આ કડક આર્મી ક્લીન-અપ ચલાવવામાં આવી રહ્યું છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
