News of Saturday, 29th August 2026
AM/NS ઈન્ડિયાની લોજિસ્ટિક્સ ક્ષેત્રે વિશાળ છલાંગ: પારાદીપ પોર્ટ પર ૩૦ વર્ષ માટે કેપ્ટિવ ડ્રાય બલ્ક બર્થનો મળ્યો કન્સેશન એવોર્ડ!
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ૧૦ MTPA ક્ષમતા ધરાવતા CQ III બર્થના યાંત્રીકરણ માટે એવોર્ડ અર્પણ કર્યો; હજીરા પ્લાન્ટ માટે ગ્રીન લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન થશે વધુ મજબૂત

પારાદીપ : ભારત સરકારના દરિયાકાંઠાના શિપિંગને ઇંધણ-કાર્યક્ષમ, કરકસરયુક્ત અને પર્યાવરણને અનુકૂળ પરિવહન તરીકે પ્રોત્સાહન આપવાના વિઝનને વેગ આપતાં પારાદીપ પોર્ટ ઓથોરિટી (PPA) એ એક મોટો નિર્ણય લીધો છે. PPA એ AM/NS ઈન્ડિયાની ખાસ સ્થાપિત કંપની (SPV) 'AMNS પારાદીપ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ' (APLPL) ને ૧૦ MTPA ક્ષમતાના કેપ્ટિવ ડ્રાય બલ્ક કાર્ગો હેન્ડલિંગ માટે CQ III બર્થના યાંત્રીકરણ અર્થે ૩૦ વર્ષનો સત્તાવાર કન્સેશન એવોર્ડ એનાયત કર્યો છે.
ઓડિશાના પારાદીપ ખાતે આવેલા બિજુ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં કેન્દ્રીય બંદરો, જહાજવ્યવહાર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે AM/NS ઈન્ડિયાના કોર્પોરેટ અફેર્સના પ્રમુખ દીપક અરોરાને આ પુરસ્કાર સોંપવામાં આવ્યો હતો. ૩૦ વર્ષ માટે મળેલી આ ખાસ છૂટથી AM/NS ઈન્ડિયાના પેલેટ પ્લાન્ટ સંકુલથી બર્થ સુધી સીધી જોડાયેલી સંપૂર્ણ યાંત્રિક કન્વેયર સિસ્ટમ સ્થાપવામાં આવશે, જેનાથી આયર્ન ઓર પેલેટ્સનું શિપમેન્ટ અને માલસામાનની અવરજવર અત્યંત ઝડપી અને સરળ બની જશે.
આ કરારથી પારાદીપથી ગુજરાતના હજીરા સ્થિત સ્ટીલ પ્લાન્ટ સુધી લોખંડના અયસ્કના પેલેટ્સ દરિયાઈ માર્ગે લઈ જવાની પર્યાવરણ-અનુકૂળ લોજિસ્ટિક્સ ક્ષમતામાં મોટો વધારો થશે. આ પ્રસંગે ઓડિશાના ઉદ્યોગ મંત્રી સંપદ ચંદ્ર સ્વૈન, જગતસિંહપુરના સાંસદ વિભુ પ્રસાદ તરાઈ, PPA ના અધ્યક્ષ પીએલ હરનાધ અને AM/NS ઈન્ડિયાના ઓડિશા ઓપરેશન્સના પ્રમુખ યુએસઆર રાજુ સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ અને કોર્પોરેટ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
