<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ન્યૂ યોર્કના લોકપ્રિય નાઈટક્લબમાં સ્માર્ટ ગ્લાસિસ (સ્માર્ટ ચશ્મા) પર પૂર્ણ પ્રતિબંધ: નિયમ તોડનારા પર આજીવન એન્ટ્રી બેનનની આકરી ચેતવણી!

દરેક ક્ષણના રેકોર્ડિંગથી ગ્રાહકોની ગોપનીયતા (પ્રાઈવસી) જોખમાતી હોવાનો ક્લબ સંચાલકોનો દાવો; રે-બન મેટા જેવા ઓગમેન્ટેડ રિયાલિટી ગ્લાસિસ પહેરીને આવનારા સામે આકરા પગલાં

ન્યૂ યોર્ક : આધુનિક ટેકનોલોજીના જમાનામાં સ્માર્ટ ગ્લાસિસનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેના કારણે લોકોની પ્રાઈવસી (ગોપનીયતા) સામે પણ મોટો ખતરો ઊભો થયો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમેરિકાના ન્યૂ યોર્ક શહેરના એક પ્રખ્યાત નાઈટક્લબે અત્યંત આકરો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ક્લબ સંચાલકોએ પરિસરમાં 'સ્માર્ટ ગ્લાસિસ' કે કોઈ પણ પ્રકારના શંકાસ્પદ કેમેરા ધરાવતા ચશ્મા પહેરીને પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.

 

નાઈટક્લબ પ્રબંધને સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે જે પણ ગ્રાહક કે મુલાકાતી આ નિયમનું ઉલ્લંઘન કરતો ઝડપાશે, તેને ક્લબમાંથી તાત્કાલિક બહાર ફેંકી દેવામાં આવશે અને તેના પર આજીવન (Permanently) એન્ટ્રી બેન લગાવી દેવામાં આવશે. આજના સમયમાં 'રે-બન મેટા' (Ray-Ban Meta) જેવા સ્માર્ટ ચશ્મા ખૂબ જ લોકપ્રિય બન્યા છે, જેનાથી સામે વાળી વ્યક્તિને ખબર પણ ન પડે તે રીતે વીડિયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફી કરી શકાય છે. ક્લબમાં આવતા લોકો મુક્તપણે પોતાની પળો માણી શકે અને તેમની ગોપનીયતા જળવાઈ રહે તે હેતુથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ નિર્ણય બાદ ટેકનોલોજી અને પર્સનલ પ્રાઈવસી વચ્ચેની બહેસ ફરી એકવાર ગરમાઈ છે. ક્લબ માલિકોનું માનવું છે કે નાઈટલાઈફ સંસ્કૃતિમાં લોકો પોતાની ખાનગી ક્ષણોને કેમેરામાં કેદ થતી જોવા માંગતા નથી, જ્યારે સ્માર્ટ ગ્લાસિસથી કોઈપણ વ્યક્તિ છૂપી રીતે લાઈવ સ્ટ્રીમિંગ કે રેકોર્ડિંગ કરી શકે છે. ન્યૂ યોર્કના આ નાઈટક્લબના નિર્ણય બાદ વિશ્વભરની અન્ય મનોરંજન જગ્યાઓ અને ક્લબ્સ પણ સ્માર્ટ વેરિયેબલ્સ સામે આવા જ આકરા નિયમો લાગુ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

(8:09 PM IST)