News of Saturday, 29th August 2026
ફિલ્મી ઢબે ફરાર! બાથરૂમ બ્રેકના બહાને પંજાબ પોલીસની આંખમાં મરચાંની પૂડ ફેંકીને ડ્રગ સ્મગલર હાથકડી સાથે ભાગી છૂટ્યો
ચંદીગઢ પોલીસને જાણ કર્યા વિના હાથ ધરાયેલા હેરોઈન રિકવરી ઓપરેશનમાં ભારે બેદરકારી; સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આરોપી ગાયબ

ચંદીગઢ : પંજાબ પોલીસની કસ્ટડીમાંથી એક ચોંકાવનારી અને ફિલ્મી દ્રશ્યોને પણ ઝાંખી પાડે તેવી ઘટના સામે આવી છે. હેરોઈન નામના નશાકારક પદાર્થની વસૂલી (રિકવરી) માટે આરોપીને તેના ઘરે લઈને ગયેલી પંજાબ પોલીસની ટીમ સામેથી ડ્રગ શંકાસ્પદ આરોપી દીપક થાપા પોલીસ કર્મચારીઓની આંખમાં મરચાંનો પાવડર ફેંકીને હાથકડી સાથે જ ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.
સ્થાનિક પોલીસ અને તપાસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, ખન્ના સીઆઈએ (CIA) ની ટીમ આરોપી દીપક થાપાને હેરોઈન રિકવરી ઓપરેશનના ભાગરૂપે ચંદીગઢના સેક્ટર ૩૮ સ્થિત તેના નિવાસસ્થાને લઈને પહોંચી હતી. આ દરમિયાન આરોપીએ બાથરૂમ જવાનું બહાનું કાઢ્યું હતું. જેવા જ પોલીસ કર્મચારીઓએ તેની મદદ કરી, કે તરત જ ચાલાક આરોપીએ ઘરમાં રાખેલો મરચાંનો પાવડર પોલીસ અધિકારીઓની આંખોમાં ફેંકી દીધો હતો. આંખોમાં તીવ્ર બળતરા થતાં પોલીસ જવાનો કંઈ સમજે કે સંભાળે તે પહેલાં જ આરોપી હાથકડી પહેરેલી હાલતમાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
આ ઘટનામાં પંજાબ પોલીસની ગંભીર પ્રોટોકોલ બેદરકારી પણ સામે આવી છે. સ્થાનિક ચંદીગઢ પોલીસના જણાવ્યા મુજબ, ખન્ના સીઆઈએની ટીમે આટલા સંવેદનશીલ ઓપરેશન માટે ચંદીગઢ પોલીસને અગાઉથી કોઈ જ જાણ કરી નહોતી કે ના તો સ્થાનિક પોલીસની મદદ માગી હતી. ચંદીગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને હાથકડી સાથે ફરાર થયેલા ડ્રગ સ્મગલરને ઝડપી પાડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સઘન શોધખોળ આદરી છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
