<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

PoJKમાં પાકિસ્તાનનો અમાનુષી અત્યાચાર અને ૭૦ દિવસનું ભયાનક લોકડાઉન: UKPNP પ્રમુખની સંયુક્ત રાષ્ટ્ર (UN) ને કડક કાર્યવાહી કરવા આક્રોશભરી અપીલ!

દવા-અનાજના ફાંફા વચ્ચે ૧૧૦ થી વધુ નિર્દોષોના મોત અને સેંકડો યુવાનો બળજબરીથી ગુમ; પાકિસ્તાની સૈન્યના સ્ટેટ ટેરરિઝમ સામે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ

નવી દિલ્હી : પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં પાકિસ્તાની શાસકો અને સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારો સામે હવે વૈશ્વિક મંચ પર વિરોધનો અવાજ બુલંદ બન્યો છે. યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના અધ્યક્ષ સરદાર શૌકત અલી કાશ્મીરીએ સંયુક્ત રાષ્ટ્ર (UN) ને તુરંત હસ્તક્ષેપ કરવા અને પાકિસ્તાન સરકાર પર કડક દબાણ લાવવા માટે આક્રોશભરી અપીલ કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે PoJK નો સમગ્ર વિસ્તાર છેલ્લા ૭૦ દિવસથી ભયાનક લશ્કરી લોકડાઉન હેઠળ જીવી રહ્યો છે.

 

એક વિશેષ વિડિઓ સંદેશ દ્વારા યુએન માનવાધિકાર પરિષદને સ્થિતિથી વાકેફ કરતાં કાશ્મીરીએ જણાવ્યું હતું કે, આ આકરા પ્રતિબંધોના કારણે પ્રદેશમાં દવાઓ, ખાદ્યસામગ્રી અને દૈનિક જીવન માટે જરૂરી આવશ્યક વસ્તુઓની ભારે અછત સર્જાઈ છે. પાકિસ્તાની સુરક્ષા દળોના અમાનુષી દમન અને અશાંતિના કારણે અત્યાર સુધીમાં ૧૧૦ થી વધુ નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે સેંકડો સ્થાનિક યુવાનોને બળજબરીથી ઉપાડી જઈને ગાયબ કરી દેવામાં આવ્યા છે.

 

શૌકત અલી કાશ્મીરીએ પાકિસ્તાની શાસકો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, "ઇસ્લામાબાદે પોતાના અહંકારના કારણે હંમેશા આ વિસ્તારને અસ્થિર રાખ્યો છે, પરંતુ PoJK ના લોકો સૈન્યના સ્ટેટ ટેરરિઝમ સામે ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં." તેમણે ઇસ્લામાબાદને ચેતવણી આપતાં ઉમેર્યું હતું કે 'ઓપરેશન ગુલમર્ગ' અને 'ઓપરેશન ટોપેક' જેવા સૈન્ય અભિયાનો દ્વારા હજારો કાશ્મીરીઓની હત્યા માટે પાકિસ્તાન સીધું જવાબદાર છે. તેમણે માંગ કરી છે કે યુએન દ્વારા પાકિસ્તાન પર તાત્કાલિક દબાણ કરીને લશ્કરી કામગીરી બંધ કરાવવામાં આવે અને જમ્મુ અને કાશ્મીર સંયુક્ત રાષ્ટ્રીય કાર્યવાહી સમિતિ (JKJAAC) ની વાજબી માંગણીઓ સ્વીકારવામાં આવે.

(8:28 PM IST)