News of Saturday, 29th August 2026
ન્યૂ યોર્કમાં RSS વડા મોહન ભાગવતના 'યુનિવર્સલ વનનેસ' કાર્યક્રમ સામે વિરોધ વચ્ચે ભારતીય સમુદાય સમર્થનમાં આવ્યો: વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ!
મેયરના વિરોધ વચ્ચે ભારતીય ડાયસ્પોરાના નેતાઓએ વસુધૈવ કુટુંબકમના સંદેશને બિરદાવ્યો; મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતેના ઐતિહાસિક સંબોધન અગાઉ ઈસ્કોન મંદિરની મુલાકાત લઈ સેવા કાર્ય હાથ ધર્યું

ન્યૂ યોર્ક : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે યુએસ, કેનેડા અને યુકેના પ્રવાસે નીકળેલા RSS વડા મોહન ભાગવતના ન્યૂ યોર્ક આગમન સાથે જ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મામદાની અને કેટલાક સ્થાનિક જૂથો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યા બાદ, અમેરિકામાં વસતા ભારતીય સમુદાય (ડાયસ્પોરા) ના નેતાઓ અને આયોજકો મોહન ભાગવત અને તેમના 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' ના સમર્થનમાં મજબૂતીથી સામે આવ્યા છે.
ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન સ્થિત ઇન્ફોસિસ થિયેટર ખાતે યોજાનારા આ હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમનો બચાવ કરતાં વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકાના પ્રમુખ તેજલ શાહ અને પ્રવક્તા પ્રિયા એસ. એ જણાવ્યું હતું કે, આ આયોજન કોઈ વિભાજન માટે નથી પરંતુ વિવિધતામાં એકતા, બહુલવાદ અને 'વસુધૈવ કુટુંબકમ' (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) ના ભારતીય દર્શનને રજૂ કરવા માટે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મતભેદો હોવા છતાં માનવતાના કલ્યાણ માટે એકસાથે આવવું એ જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે અને તમામ આશંકાઓ માત્ર એક અજ્ઞાનતા અને ગેરસમજનો ભાગ છે.
પોતાના પ્રવાસ દરમિયાન મોહન ભાગવતે ન્યૂ યોર્કના ૨૬મા સેકન્ડ એવન્યુ સ્થિત ઐતિહાસિક ઈસ્કોન (ISKCON) મંદિરની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ૧૯૬૬માં સ્વામી પ્રભુપાદે આ વૈશ્વિક સંસ્થાની સ્થાપના કરી હતી. અહીં તેમણે ભગવાન શ્રીકૃષ્ણ ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને બેઘર લોકો માટે આયોજિત 'ઝીરો હંગર ન્યૂ યોર્ક' ભોજન વિતરણ પહેલમાં ભાગ લીધો હતો. ભક્તોને સંબોધતા ભાગવતે જણાવ્યું હતું કે, આજની દુનિયામાં અનેક સંઘર્ષો અને વિભાજનો છે, પરંતુ 'કૃષ્ણ ભાવનામૃત' અને સંવાદિતા જ વિશ્વને એકસૂત્રમાં બાંધી શકે છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
