<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના દોષિત સજ્જન કુમારના નિધન પર શોક વ્યક્ત કરવો ભાજપના ૩ સાંસદોને ભારે પડ્યો: પક્ષપ્રમુખ નીતિન નવીને માંગી કડક સ્પષ્ટતા!

પંજાબ ભાજપ અને એચ.એસ. ફૂલકાએ મુલાકાતને પીડિતોનું અપમાન ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો; આમ આદમી પાર્ટીએ પણ ભાજપ પર પ્રહાર કરી સાંસદોને સસ્પેન્ડ કરવાની માંગ કરી

નવી દિલ્હી : ૧૯૮૪ના ભયાનક શીખ વિરોધી રમખાણોના મુખ્ય દોષિત અને આજીવન કેદની સજા ભોગવી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારના નિધન બાદ તેમના નિવાસસ્થાને શોક વ્યક્ત કરવા પહોંચેલા ભાજપના ત્રણ સાંસદો મોટો વિવાદ ઊભો કરી બેઠા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આ મુલાકાત પર ભારે નારાજગી વ્યક્ત કરી છે અને દિલ્હીના ત્રણ સાંસદો—રામવીર સિંહ બિધુરી, યોગેન્દ્ર ચંદોલિયા અને કમલજીત સેહરાવત પાસેથી તાત્કાલિક સ્પષ્ટતા માંગી છે.

 

તિહાર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ૮૦ વર્ષીય સજ્જન કુમારનું ૨૦ ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ ભાજપના આ ત્રણેય સાંસદો ખાનગી રીતે તેમના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં આ ઘટના સામે આવતાં જ રાજકીય તોફાન સરજાયું છે. પંજાબ ભાજપના પ્રમુખ કેવલ સિંહ ધિલ્લોને આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું હતું કે, હજારો નિર્દોષ શીખોની હત્યા કરનારા વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી એ પીડિત પરિવારોનું ઘોર અપમાન છે. તેમણે ઉમેર્યું કે ભાજપ હંમેશાં ૧૯૮૪ના પીડિતોની સાથે ઊભો રહ્યો છે અને પક્ષપ્રમુખે સાંસદો સામે લીધેલું આકરું વલણ યોગ્ય છે.

 

બીજી તરફ, ૧૯૮૪ના પીડિતો માટે કાનૂની લડાઈ લડનારા વરિષ્ઠ વકીલ અને ભાજપ નેતા એચ.એસ. ફૂલકાએ સોશિયલ મીડિયા પર પોતાની તીવ્ર નારાજગી વ્યક્ત કરીને આ ત્રણેય સાંસદોના બહિષ્કારની હાકલ કરી હતી. આ મુદ્દે વિપક્ષી પક્ષ 'આમ આદમી પાર્ટી' (AAP) એ પણ ભાજપ પર આકરા પ્રહારો કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે શું પાર્ટી શીખ સમુદાયની ભાવનાઓ સાથે રમત રમનારા આ સાંસદોને સસ્પેન્ડ કરશે? ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે SIT ની રચના કરીને રમખાણોના પીડિતોને ન્યાય અપાવ્યો હતો, ત્યારે પોતાના જ સાંસદોના આ પગલાથી ભાજપ મોહભંગની સ્થિતિમાં મુકાયું છે.

(9:06 PM IST)