<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

કાળમુખા પૂર વચ્ચે ચમત્કારિક બચાવ: નેપાળ હોનારતમાં બસમાંથી કૂદીને ૫૦૦ સીડીઓ ચડી ભારતીય મૂળના દંપતીએ મોતને માત આપી!

ચીન સરહદ નજીક તિમુરે ગામમાં પર્વતો પરથી ૭૦ ફૂટ ઊંચું કાટમાળનું મોજું અથડાયું; યુએસએના સંસ્કૃત-અંજના દંપતીએ બકરીઓના શેડમાં આખી રાત વિતાવી જીવ બચાવ્યો

કાઠમંડુ : નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની હોનારતે ભયાનક તારાજી સર્જી છે, પરંતુ આ કાળમુખી આપત્તિ વચ્ચેથી એક આશ્ચર્યજનક અને હૃદયસ્પર્શી બચાવ વાર્તા સામે આવી છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા ભારતીય મૂળના દંપતી અંજના રાજા અને તેમના પતિ પટ્ટાભિરામન વેંકટેશન કૈલાશ માનસરોવરની પોતાની પ્રથમ યાત્રા દરમિયાન ચોક્કસ મૃત્યુના મુખમાંથી ઉગરી આવ્યા છે.

 

ગુરુવારે જ્યારે આ દંપતી નેપાળના રાસુવા જિલ્લાના તિમુરે ગામ નજીકથી બસમાં મુસાફરી કરી રહ્યું હતું, ત્યારે પર્વતો પરથી કાદવ, પથ્થરો અને ભૂરા પાણીનું ૬૦ થી ૭૦ ફૂટ ઊંચું વિશાળ મોજું નીચે ધસી આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા ભાંપીને બસ ડ્રાઇવર અને હેલ્પરને ભાગતા જોઈ અંજનાએ ત્વરિત નિર્ણય લઈને પોતાના પતિનો કોલર પકડીને ચાલુ બસમાંથી કૂદકો મારી દીધો હતો. કૂદકો માર્યા બાદ તેઓએ નજર કરી તો પાછળથી આખી બસ અને આસપાસનો વિસ્તાર પૂરના પાણીમાં તણાઈ રહ્યો હતો.

 

દંપતીએ સેકંડોમાં લપસણા અને અત્યંત ખડકાળ માર્ગ પર દોડીને લગભગ ૫૦૦ જેટલી સીડીઓ ચડી પર્વતની ટોચ પર પહોંચી જીવ બચાવ્યો હતો. એકબીજાનો હાથ પકડી રાખનાર આ દંપતીએ અન્ય પ્રવાસીઓ સાથે એક બકરીના શેડમાં આખી ભયાનક રાત વિતાવી હતી, જેના પછી બીજા દિવસે સવારે હેલિકોપ્ટર દ્વારા તેમને સલામત સ્થળે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

 

બીજી તરફ, નેપાળમાં આવેલા આ કુદરતી પ્રકોપમાં અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે ૫૧૭ વિદેશી નાગરિકો સહિત ૨,૪૨૬ લોકો હજુ પણ ગુમ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ૯૦ અમેરિકન નાગરિકો પણ આ આપત્તિમાં લાપતા છે. તિબેટ અને નેપાળના સરહદી વિસ્તારોમાં બચાવ ટુકડીઓ હાલ પણ સઘન શોધોઅભિયાન ચલાવી રહી છે.

(9:08 PM IST)