<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

વૈશ્વિક સ્તરે વાગ્યો 'મેડ ઈન ઈન્ડિયા'નો ડંકો: ભારતના ટેસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સને મળી આંતરરાષ્ટ્રીય માન્યતા, દુબઈથી લઈ શ્રીલંકા સુધીના દેશો ટેસ્ટિંગ માટે ભારત પર નિર્ભર!

બેંગલુરુમાં નેશનલ ટેસ્ટ હાઉસની અદ્યતન ઇમારતનું કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે ઉદ્ઘાટન; "ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ" ના મંત્ર સાથે ગ્રાહકો, MSME અને સ્ટાર્ટ-અપ્સ માટે વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ

બેંગલુરુ : ભારતની ગુણવત્તા અને ચકાસણી ક્ષમતાઓની વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ સતત વધી રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે બેંગલુરુ ખાતે 'નેશનલ ટેસ્ટ હાઉસ' (NTH) ની અદ્યતન નવી ઇમારતનું ઉદ્ઘાટન કરતાં આ ગૌરવપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતની પ્રયોગશાળાઓ અને પરીક્ષણ ધોરણો પર હવે વિશ્વનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે, જેના પરિણામે દુબઈ, શ્રીલંકા અને ભૂટાન જેવા વિદેશી દેશો પણ પોતાના નમૂનાઓ ચકાસણી માટે ભારતની NTH લેબોરેટરીઓમાં મોકલી રહ્યા છે.

 

મંત્રી જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત વિશ્વનો ૧૩મો એવો દેશ બન્યો છે જેના માપન ધોરણો (Metrology Standards) ને વૈશ્વિક સ્તરે સત્તાવાર માન્યતા પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે આ સફળતા દેશના વધતા ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. ચેન્નાઈમાં સોલાર વોટર-હીટર પરીક્ષણ સુવિધા, સંરક્ષણ ક્ષેત્રે વધતી નિકાસ અને ખાનગી સ્પેસ લોન્ચિંગ જેવા ઉદાહરણો આપતા તેમણે ભારતના મજબૂત થતા ઉત્પાદન ક્ષેત્રની પ્રશંસા કરી હતી.

 

કેન્દ્રીય મંત્રીએ સરકારના "ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ" ના વિઝનને દોહરાવતા કહ્યું કે નવી NTH સુવિધાઓ દ્વારા વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ગ્રાહકો, MSME, સ્ટાર્ટ-અપ્સ અને સ્થાનિક ઉદ્યોગોના દ્વાર સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ અદ્યતન ટેસ્ટિંગ ફેસિલિટીઝ દેશને સમર્પિત કરવામાં આવી હતી અને ક્વોલિટી સિસ્ટમમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર NTH ના વૈજ્ઞાનિકો તથા ઇજનેરોને 'NTH એન્યુઅલ એક્સેલન્સ એવોર્ડ્સ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ બી.એલ. વર્મા અને શોભા કરંદલાજે સહિતના અગ્રણી વિભૂતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(9:19 PM IST)