News of Saturday, 29th August 2026
પરીક્ષાઓ રદ કરવા અને ચર્ચા વગર બિલ પસાર કરવા મુદ્દે પી. ચિદમ્બરમના કેન્દ્ર સરકાર પર પ્રહારો: કહ્યું- "સંસદીય લોકશાહીનું થઈ રહ્યું છે ચીરહરણ!"
કોંગ્રેસના વરિષ્ઠ નેતાનો મોદી સરકાર પર તીખો હુમલો; પેપર લીક, પરીક્ષાઓમાં ગેરરીતિ અને ગૃહમાં વિપક્ષના અવાજને દબાવવાના ચાલતા પ્રયાસો સામે આકરો વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અચાનક રદ કરવા અને સંસદમાં ચર્ચા કર્યા વિના મહત્વપૂર્ણ બિલ પસાર કરાવવાના મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વર્તમાન સરકાર સંસદીય મર્યાદાઓ અને લોકશાહીના મુલ્યોનું સતત અનાદર કરી રહી છે, જે દેશના યુવાનો અને નાગરિકોના ભવિષ્ય સાથે મોટો ખિલવાડ છે.
પી. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પર અને માધ્યમો સમક્ષ વિરોધ દર્શાવતા જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં NEET સહિતની અનેક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ થઈ રહી છે અથવા તેના પેપર લીક થઈ રહ્યા છે. લાખો યુવાનો વર્ષો સુધી સખત મહેનત કરે છે, પરંતુ સરકારની અણઘડ નીતિઓ અને ગેરરીતિઓના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે દેશમાં પરીક્ષાઓની સુચિતા જાળવવામાં કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી છે.
આ ઉપરાંત, સંસદના કામકાજ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા ચિદમ્બરમે કહ્યું હતું કે મહત્વના કાયદાઓ અને બિલ પર કોઈ પણ જાતની સાર્થક ચર્ચા કે વિપક્ષી નેતાઓની સલાહ લીધા વિના જ ધ્વનિ મતથી પસાર કરી દેવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ગૃહને માત્ર એક રબર સ્ટેમ્પ તરીકે વાપરવાનો આ પ્રયાસ સંસદીય લોકશાહી માટે અત્યંત ઘાતક છે. વિપક્ષનો અવાજ દબાવીને કાયદા બનાવવાના આ વલણ સામે દેશની જનતા આગામી સમયમાં યોગ્ય જવાબ આપશે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
