News of Saturday, 29th August 2026
મિનીમલ્સ, મીમ્સ અને તીખા કટાક્ષ: ભાજપના નવા IT સેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે આક્રમક મોરચો ખોલ્યો!
દીપક મ્હસ્કેના નેતૃત્વમાં ભાજપની નવી ડિજિટલ ટીમે અપનાવી ધારદાર વ્યંગની રણનીતિ; બોલીવુડ-હોલીવુડ મીમ્સ દ્વારા વિપક્ષ પર સતત પ્રહારો

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના સંગઠનાત્મક પુનર્ગઠન હેઠળ IT સેલની કમાન દીપક મ્હસ્કેને સોંપ્યા બાદ સોશિયલ મીડિયા પર પાર્ટીનો મિજાજ અને રણનીતિ ભારે આક્રમક બની ગયા છે. નવી IT ટીમે વિપક્ષી કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીને નિશાન બનાવવા માટે બોલીવુડ તેમજ હોલીવુડ ફિલ્મોના લોકપ્રિય દ્રશ્યો, વાયરલ મીમ્સ અને તીખા વ્યંગનો ભરપૂર ઉપયોગ શરૂ કર્યો છે, જેનાથી ડિજિટલ પ્લેટફોર્મ પર રાજકીય ગરમાવો વધી ગયો છે.
લગભગ ૧૧ વર્ષ સુધી ભાજપના IT સેલનું નેતૃત્વ કરનાર અમિત માલવિયાના સ્થાને છત્તીસગઢના દીપક મ્હસ્કેની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે મહારાષ્ટ્રના પ્રીતિ ગાંધી, દિલ્હીના શિવાનંદ દ્વિવેદી, ઉત્તરાખંડના આલોક ભટ્ટ અને હરિયાણાના અરુણ યાદવને સહ-સંયોજક તરીકે સામેલ કરાયા છે. આ નવી ટીમે આવતાની સાથે જ 'X' (ટ્વિટર) અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ભાજપના વિવિધ રાજ્ય એકમોના હેન્ડલ્સ સાથે સંકલન સાધીને કોંગ્રેસ સામે એકજૂથ થઈને મોરચો માંડ્યો છે.
નવી વ્યૂહરચના હેઠળ, રાહુલ ગાંધીના "પિતૃસત્તાનો અંત લાવો" જેવા અભિયાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાપરવામાં આવેલા "માઇન્ડફુલ નક્સલ" જેવા શબ્દોને લઈને કોંગ્રેસ પર કટાક્ષ કરતી પોસ્ટ્સ વાયરલ કરવામાં આવી રહી છે. ભાજપના વર્તુળો મુજબ, રમૂજ અને વ્યંગ દ્વારા ધારદાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે પરંતુ અશ્લીલતા કે વ્યક્તિગત સ્તરના હુમલા ટાળવાની નીતિ યથાવત રાખવામાં આવી છે. સંસ્થાકીય રીતે મજબૂત બનેલા આ ડિજિટલ મશીનરીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વર્ગ સુધી પોપ કલ્ચરના માધ્યમથી પોતાનો રાજકીય સંદેશ પહોંચાડવાનો છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
