<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

માનહાનિ કેસમાં કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગે અને યુથ કોંગ્રેસ અધ્યક્ષ કોર્ટમાં હાજર: જામીન પર થયા મુક્ત, RSS સામે કરી હતી વિવાદિત ટિપ્પણી!

૧ લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ અને ૧૦ હજારના રોકડ દંડ પર સ્પેશિયલ કોર્ટે આપી રાહત; આગામી ૧૯ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી

બેંગલુરુ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને બદનક્ષીભરી ટિપ્પણી કરવાના વિવાદિત કેસમાં કર્ણાટકના આઈટી અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રિયાંક ખડગે તેમજ રાજ્ય યુવા કોંગ્રેસના પ્રમુખ મોહમ્મદ હરિસ નાલાપડ શનિવારે સાંસદો અને ધારાસભ્યો (MPs/MLAs) માટેની વિશેષ અદાલતમાં હાજર થયા હતા. ખાસ અદાલતે બંને નેતાઓને ₹૧ લાખના વ્યક્તિગત બોન્ડ અને ₹૧૦,૦૦૦ ના રોકડ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

 

આ સમગ્ર વિવાદની શરૂઆત નવેમ્બર ૨૦૨૫ માં થઈ હતી, જ્યારે બેંગલુરુના રહેવાસી અને RSS કાર્યકર્તા તેજસ એ. દ્વારા કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં કર્ણાટક સરકારના એક પરિપત્ર અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કરાયો હતો. આરોપ હતો કે પ્રિયાંક ખડગે અને નાલાપડે સરકારી શાળાઓ તથા મેદાનોમાં RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવાની ભલામણ સાથે સોશિયલ મીડિયા પર સંઘ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ્સ શેર કરી હતી.

 

શનિવારે યોજાયેલી સુનાવણી દરમિયાન ખાસ અદાલતે બંને આરોપીઓને BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ ૩૫૬ (ગુનાહિત માનહાનિ) હેઠળના આરોપો વાંચી સંભળાવ્યા હતા. જોકે, પ્રિયાંક ખડગે અને નાલાપડે તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા અને કોર્ટ સમક્ષ ટ્રાયલ (કેસ ચલાવવા) ની માગ કરી હતી. નોંધનીય છે કે આ જ કેસમાં પૂર્વ મંત્રી દિનેશ ગુંડુ રાવનું પણ નામ હતું, પરંતુ કોર્ટે તેમની સામેના આરોપો અગાઉ રદ કરી દીધા હતા. સ્પેશિયલ કોર્ટે હવે ફરિયાદી પક્ષના પુરાવા નોંધવા માટે કેસની આગામી સુનાવણી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી મુલતવી રાખી છે.

(11:20 PM IST)