<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પીએમ મોદીની ઉઝબેકિસ્તાન યાત્રાનો ઉત્સાહભર્યો પ્રારંભ: તાશ્કંદમાં 'યાંગી ઉઝબેકિસ્તાન સ્મારક'ની મુલાકાત લીધી; કહ્યું- "આ સ્મારક ઉઝબેક લોકોની આકાંક્ષાઓ અને પ્રગતિનું પ્રતિક છે!"

રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું; દ્વિપક્ષીય વાટાઘાટો, સંરક્ષણ અને વેપાર ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા પર ભાર

તાશ્કંદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાતે મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાન પહોંચ્યા છે. તાશ્કંદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે પ્રસિદ્ધ 'યાંગી ઉઝબેકિસ્તાન સ્મારક'ની મુલાકાત લીધી હતી અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ સ્મારક ઉઝબેકિસ્તાનના લોકોની મહત્વાકાંક્ષા, સમૃદ્ધિ અને દેશની પ્રગતિનું અદ્ભુત પ્રતિબિંબ છે.

 

આ મુલાકાત દરમિયાન એક ખાસ રાજનૈતિક સંકેત જોવા મળ્યો હતો, જ્યાં રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે ખુદ એરપોર્ટ પહોંચીને વડાપ્રધાન મોદીનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આ આદરસત્કાર બદલ આભાર માનતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, "ઉઝબેકિસ્તાનની આ મારી ચોથી મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને વધી રહેલી મિત્રતાની ઊંડાઈ દર્શાવે છે." બંને નેતાઓએ યાંગી ઉઝબેકિસ્તાન પાર્કમાં સ્થિત દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ દર્શાવતી કલાકૃતિઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.

 

પોતાની આ મહત્વપૂર્ણ યાત્રા દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વાટાઘાટો યોજાશે. જેમાં 'વિકસિત ભારત ૨૦૪૭' અને 'ઉઝબેકિસ્તાન-૨૦૩૦' ના સહિયારા વિઝનને આગળ ધપાવવા માટે વેપાર, રોકાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત કરવા અંગે વિગતવાર ચર્ચા થશે.

 

પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે આવેલા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સ્મારક અને મહાત્મા ગાંધી કેન્દ્રની પણ મુલાકાત લેશે. તેમણે આ સ્થળોને ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રજાકીય સંબંધોની મજબૂત કડી સમાન ગણાવ્યા હતા.

(11:20 PM IST)