<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

'જે કોઈ એવું વિચારે છે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ, તે હિન્દુ ન હોઈ શકે': ન્યૂ યોર્કમાં RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન!

અમેરિકાના ન્યૂ યોર્કમાં 'વન વર્લ્ડ વન હ્યુમેનિટી' કાર્યક્રમમાં મોહન ભાગવતનો સૂર; ટાઇમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર ચમક્યા સંઘ પ્રમુખના વિઝ્યુઅલ્સ

ન્યૂ યોર્ક : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે વૈશ્વિક પ્રવાસે પહોંચેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં આયોજિત "એક વિશ્વ, એક માનવતા" (One World One Humanity) કાર્યક્રમને સંબોધિત કરતા એક અત્યંત મહત્વપૂર્ણ અને વૈશ્વિક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "જો કોઈ હિન્દુ એવું વિચારતો હોય કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ, તો તે હિન્દુ રહી જ શકતો નથી. હિન્દુ હોવાનો અર્થ જ એ છે કે તમામ માર્ગો એક જ ધ્યેય તરફ જાય છે અને દરેક માનવીનું ગૌરવ સમાન છે."

 

પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ભારપૂર્વક કહ્યું કે તેઓ કોઈ ધાર્મિક વિદ્વાન કે ધર્માધિકારી નથી, પરંતુ એવા ભારતીય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જે પરંપરાગત રીતે 'વસુધૈવ કુટુમ્બકમ' માં માને છે. તેમણે ઉમેર્યું કે, "ધર્મો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ માનવતા એક જ છે. સત્ય એક છે, પરંતુ દરેક વ્યક્તિ તેને પોતાની સમજણ અને દ્રષ્ટિકોણ અનુસાર અલગ-અલગ રીતે વ્યક્ત કરે છે. આપણે આપણા વિચારોના સોફ્ટવેરના બંધક બનવાને બદલે વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ."

 

આરએસએસના વડાએ વિવિધ ધર્મોના ધાર્મિક નિયમો અને શિસ્તનું મહત્વ સમજાવતા કહ્યું કે દેવત્વ તરફ આગળ વધવા માટે શિસ્ત જરૂરી છે, પરંતુ સમાજને સતત શિક્ષિત કરવો પણ તેટલો જ મહત્વપૂર્ણ છે. જો સમાજ જાગૃત ન રહે તો તે દિશાહીન બની જાય છે. ભૂતકાળના ઇતિહાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત વિદેશી આક્રમણોનું લક્ષ્ય બન્યું અને આપણે ઘણું ગુમાવ્યું, જેનું મુખ્ય કારણ સમાજમાં આવેલું પરિવર્તન હતું.

 

નોંધનીય છે કે, RSSના શતાબ્દી વર્ષના વૈશ્વિક આઉટરીચ કાર્યક્રમ 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' અંતર્ગત અમેરિકન હિન્દુ સમુદાય દ્વારા આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે તેમના સંબોધન પહેલાં વિશ્વપ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેરના મધ્યમાં વિશાળ બિલબોર્ડ્સ પર મોહન ભાગવતના ફોટા અને વિઝ્યુઅલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જે ભારતીય ડાયસ્પોરા માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

(11:31 PM IST)