News of Saturday, 29th August 2026
મહિલા હોકી વર્લ્ડ કપ 2026: આર્જેન્ટિનાએ ૯ વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સને શૂટઆઉટમાં ૩-૧થી હરાવીને રચ્યો ઇતિહાસ!
એમસ્ટેલવીનમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટિનાએ જૂની હારનો વ્યાજ સાથે લીધો બદલો; કેપ્ટન મારિયા ગ્રેનાટો અને ગોલકીપર બન્યા જીતના અસલી હીરો

એમસ્ટેલવીન : મહિલા હોકી વર્લ્ડ કપ ૨૦૨૬ ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ એક અદ્ભુત અને રોમાંચક મુકાબલામાં સહ-યજમાન અને ૯ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૧ થી પરાજય આપીને ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. ગયા વર્લ્ડ કપની ફાઇનલમાં નેધરલેન્ડ્સ સામે મળેલી હારનો આર્જેન્ટિનાની ટીમે વ્યાજ સાથે બદલો લીધો છે.
નારંગી રંગથી ઉભરાયેલા વેગનર સ્ટેડિયમમાં રમાયેલી આ મહામુકાબલાની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેચની ૩૦મી મિનિટે ડચ ટીમના સ્ટાર ડ્રેગ-ફ્લિકર યબ્બી જાન્સેને શાનદાર ગોલ કરીને નેધરલેન્ડ્સને ૧-૦ ની સરસાઈ અપાવી હતી. જોકે, આર્જેન્ટિનાની ટીમે હાર ન માની અને સતત આક્રમણ ચાલુ રાખ્યા હતા. મેચની ૫૪મી મિનિટે આર્જેન્ટિનાને મળેલા ૮મા પેનલ્ટી કોર્નર પર કેપ્ટન મારિયા ગ્રેનાટોએ રિબાઉન્ડ બોલને નેટમાં ધકેલીને સ્કોર ૧-૧ થી બરાબર કરી દીધો હતો, જેના કારણે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી.
પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાની ખેલાડીઓએ અદ્ભુત માનસિક મજબૂતી દર્શાવી હતી. આર્જેન્ટિના તરફથી વિક્ટોરિયા ગ્રેનાટો, બ્રિસા બ્રુગેસર અને સોફિયા કૈરોએ સચોટ નિશાનો સાધીને ગોલ કર્યા હતા. બીજી તરફ, હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી ૧૦મી વખત ટાઇટલ જીતવાના ઈરાદા સાથે ઉતરેલી ડચ ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી. નેધરલેન્ડ્સ તરફથી માત્ર વિન મારિન જ ગોલ કરી શકી હતી, જ્યારે તેના ત્રણ મુખ્ય ખેલાડીઓ પોતાના શૂટઆઉટ મિસ કરી બેઠા હતા.
આ જીત સાથે આર્જેન્ટિનાએ ૨૦૦૨ અને ૨૦૧૦ પછી પોતાનું ત્રીજું મહિલા હોકી વર્લ્ડ કપ ટાઇટલ પોતાના નામે કર્યું છે, જ્યારે ૯ વખતની ચેમ્પિયન ડચ ટીમનું ૧૦મી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
