<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

તાશ્કંદમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત: ભારતીય સમુદાયની મહિલાઓએ બાંધી રાખડી; "મોદી-મોદી" અને "ભારત માતા કી જય"ના નારાઓથી ગુંજી ઉઠ્યું ઉઝબેકિસ્તાન!

ઉઝબેક સંસ્કૃતિના પરંપરાગત નૃત્ય અને બાળકોના ઉત્સાહપૂર્ણ પ્રદર્શને પીએમ મોદીનું દિલ જીત્યું; રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે યાંગી ઉઝબેકિસ્તાન સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી

 તાશ્કંદ, તા.૨૯: ઉઝબેકિસ્તાનની બે દિવસીય સત્તાવાર યાત્રા પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તાશ્કંદમાં ભારતીય સમુદાય દ્વારા અત્યંત ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટેલ પહોંચતા જ વિદેશમાં વસતા ભારતીયોએ "મોદી મોદી", "વંદે માતરમ" અને "ભારત માતા કી જય" ના ઉત્સાહપૂર્ણ નારાઓ સાથે આખી હવા ગુંજવી મૂકી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ભારતીય સમુદાયની મહિલાઓએ પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

 

આ સ્વાગત સમારોહ દરમિયાન પીએમ મોદીએ સ્થાનિક કલાકારો અને ભારતીય બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત નૃત્ય પ્રદર્શનને ખૂબ જ રસપૂર્વક નિહાળ્યું હતું. પ્રદર્શન બાદ વડાપ્રધાને બાળકો પાસે જઈને પ્રેમપૂર્વક હાથ મિલાવ્યા હતા અને તેમના ઉત્સાહને બિરદાવ્યો હતો.

 

અગાઉ, તાશ્કંદ એરપોર્ટ પર ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે પ્રોટોકોલ બાજુ પર મૂકીને પીએમ મોદીનું જાતે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓએ 'યાંગી ઉઝબેકિસ્તાન સ્મારક'ની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પાર્કમાં સ્થિત ઉઝબેક સંસ્કૃતિ તેમજ ઐતિહાસિક કલાકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ સ્મારક ઉઝબેક પ્રજાની પ્રગતિ અને આકાંક્ષાઓનું મજબૂત પ્રતિક છે.

 આ દ્વિપક્ષીય મુલાકાતમાં 'વિકસિત ભારત ૨૦૪૭' અને 'ઉઝબેકિસ્તાન-૨૦૩૦' ના વિઝન હેઠળ ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ, ઉર્જા અને વેપાર-રોકાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો યોજાશે.

(12:06 AM IST)