News of Sunday, 30th August 2026
ગોવા 'ડિજિટલ એરેસ્ટ' સાયબર કૌભાંડમાં ED નો મોટો ધડાકો: મુંબઈથી CA સહિત વધુ ૩ આરોપીઓની ધરપકડ, ₹૪૧૭ કરોડથી વધુની ઠગાઈનો ખુલાસો!
શેલ કંપનીઓ અને ૪૦૦ થી વધુ બેંક ખાતાઓ દ્વારા ₹૨૭,૮૫૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો; ૨૦ થી વધુ રાજ્યોના પીડિતોને બનાવ્યા હતા નિશાન

મુંબઈ, તા.૨૯: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગોવામાંથી મૂળ ધરાવતા અને દેશભરમાં ફેલાયેલા ચર્ચિત "ડિજિટલ એરેસ્ટ" (Digital Arrest) સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. PMLA એક્ટ હેઠળ ED એ મુંબઈ સ્થિત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) સહિત વધુ ત્રણ મુખ્ય આરોપીઓની અટકાયત કરી છે. આ સંગઠિત નેટવર્ક લોકો સાથે સાયબર ઠગાઈ કરીને કરોડો રૂપિયા સેંકડો શંકાસ્પદ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતું હતું અને બાદમાં તેને રોકડ તથા વિદેશી ચલણમાં રૂપાંતરિત કરતું હતું.
ED ની પણજી ઝોનલ ઓફિસે મુંબઈથી ધરપકડ કરેલા આરોપીઓમાં CA ભૂષણ સૂર્યકાંત મોયે (૪૭), વિલાસ નારાયણ પવાર (૬૧) અને શૈલેષ દગડુ ચવ્હાણ (૩૮) નો સમાવેશ થાય છે. આ અગાઉ ૨૩ ઓગસ્ટના રોજ મુખ્ય ઓપરેટિવ્સ ફહીમ સૈયદ અને નઈમ સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને ઉત્તર ગોવાની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમને ૧ સપ્ટેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
તપાસમાં બહાર આવ્યું છે કે મુંબઈના CA ભૂષણ મોયેએ વિવિધ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ૨૧ બોગસ (શેલ) કંપનીઓ બનાવી હતી અને ૪૩ "ડમી" ડિરેક્ટરોના નામે આખું નેટવર્ક ચલાવતો હતો. જ્યારે વિલાસ પવારે કૌભાંડના નાણાં ખાતાઓમાં મોકલવા માટે RTGS વ્યવહારો ગોઠવ્યા હતા અને શૈલેષ ચવ્હાણે તેની સામે રોકડ રકમ પૂરી પાડી હતી.
ED ની તપાસ મુજબ, આ કૌભાંડમાં ૪૦૦ થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરાયો હતો, જે દેશના ૨૦ થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલી ૧૬૩ એફઆઈઆર (FIR) અને ૩૩૦ થી વધુ ફરિયાદો સાથે જોડાયેલા છે. સાયબર ઠગોએ માસૂમ નાગરિકો પાસેથી ₹૪૧૭.૪૯ કરોડથી વધુ રકમ પડાવી લીધી હતી. આ કૌભાંડી નેટવર્ક સાથે જોડાયેલી સંસ્થાઓમાં ₹૨૭,૮૫૦ કરોડથી વધુના જંગી બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા છે, જેને આરબીઆઈ માન્યતા પ્રાપ્ત મની એક્સચેન્જર્સ દ્વારા વિદેશી ચલણમાં વટાવી લેવાયા હતા.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
