News of Saturday, 29th August 2026
પુણેના ગણેશોત્સવમાં 'ડીજે' પર પ્રતિબંધની માંગથી ભારે હોબાળો: કોણ છે વિદ્યાનંદ બાપટ, જેમણે મંડળો સામે બાંયો ચડાવી?
પુણેના ગણેશોત્સવમાં 'ડીજે' પર પ્રતિબંધની માંગથી ભારે હોબાળો: કોણ છે વિદ્યાનંદ બાપટ, જેમણે મંડળો સામે બાંયો ચડાવી?

પુણે : મહારાષ્ટ્રની સંસ્કૃતિના કેન્દ્ર ગણાતા પુણે શહેરમાં ગણેશોત્સવની તૈયારીઓ વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. નારાયણ પેઠના રહેવાસી અને સામાજિક કાર્યકર વિદ્યાનંદ બાપટે ગણેશોત્સવ દરમિયાન ડીજે અને હાઇ-ડેસિબલ સાઉન્ડ સિસ્ટમ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની માંગ કરતા જ ગણેશ મંડળો અને વહીવટીતંત્ર વચ્ચે ભારે વિવાદ ઊભો થયો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) ની આયોજન બેઠકમાં આ બાબતે મંડળના કાર્યકરો અને બાપટ વચ્ચે તીખી તકરાર થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચર્ચા જાગી છે.
વિદ્યાનંદ બાપટે પીએમસીની બેઠકમાં એક સામાન્ય નાગરિક તરીકે હાજરી આપીને રજૂઆત કરી હતી કે પુણેમાં ૧૨૫ વર્ષથી વધુ સમયથી પરંપરાગત રીતે ગણેશોત્સવ ઉજવાય છે, જ્યારે ડીજે અને મોટા લાઉડસ્પીકરનો ઉપયોગ છેલ્લા ૩૫-૪૦ વર્ષોમાં જ વધ્યો છે. તેથી ડીજે કે સાઉન્ડ સિસ્ટમ એ તહેવારનો અનિવાર્ય ભાગ નથી. તેમણે નારાયણ પેઠ, લક્ષ્મી રોડ, કેલકર રોડ જેવા ગીચ વિસ્તારોના રહેવાસીઓ, વૃદ્ધો, દર્દીઓ અને રાત્રિ શિફ્ટમાં કામ કરતા આઇટી કર્મચારીઓને થતી ધ્વનિ પ્રદૂષણની ગંભીર તકલીફોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ધાર્મિક સ્વતંત્રતા કે ઉત્સવના વિરોધી નથી, પરંતુ જાહેર રસ્તાઓ પર નાગરિકોને મુશ્કેલી પડે તેવા અવાજ પ્રદૂષણના વિરોધમાં છે.
બેઠકમાં હાજર ગણેશ મંડળના કાર્યકરોએ બાપટની આ માંગનો સખત વિરોધ કર્યો હતો. મંડળોએ દલીલ કરી હતી કે તેઓ પ્લાઝ્મા અને લેસર લાઇટ ટાળવા તૈયાર છે, પરંતુ સાઉન્ડ સિસ્ટમ પર સંપૂર્ણ પ્રતિબંધ સ્વીકાર્ય નથી. દલીલો એટલી વધી ગઈ કે સ્થિતિ તંગ બની હતી અને પોલીસે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડીને બાપટને બેઠકમાંથી બહાર લાવવા પડ્યા હતા. આ મુદ્દે ભાજપના સ્થાનિક નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. પુણે ભાજપ પ્રમુખ ધીરજ ઘાટેએ કહ્યું કે નિયમો તમામ ધર્મોના ઉત્સવો માટે સમાન હોવા જોઈએ, જ્યારે કેન્દ્રીય મંત્રી અને પુણેના સાંસદ મુરલીધર મોહોલે કોર્ટના આદેશો અનુસાર કાયદાકીય અવાજ મર્યાદાનું પાલન કરવાનું સમર્થન કર્યું હતું અને ઢોલ-તાશા જેવા પરંપરાગત વાદ્યોને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
