<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

આવતીકાલથી દેશભરમાં બદલાશે ૫ મોટા નિયમોઃ તમારા ખિસ્‍સા પર થશે સીધી અસર

આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ પર ર્બોડિંગ પાસ સ્‍ટેમ્‍પિંગ નિયમ રદ થવાથી મુસાફરોને મોટી રાહતઃ મુંબઈમાં દૂધના જથ્‍થાબંધ ભાવમાં વધારો થશે : ITR અને LPG e-KYCની અંતિમ મુદત પૂરી થતાં હવે પછીના નિયમો બદલાશે

નવી દિલ્‍હી, તા.૩૧: નવો મહિનો શરૂ થવાની સાથે જ આમ આદમીના રોજિંદા જીવન અને બજેટ સાથે જોડાયેલા અગત્‍યના નિયમોમાં મોટાપાયે ફેરફારો થવા જઈ રહ્યા છે. ૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬થી દેશભરમાં બેંકિંગ, એવિએશન, ટેક્‍સ અને રસોઈ ગેસથી લઈને દૂધના દરો સુધીના ૫ મહત્‍વપૂર્ણ નિયમો બદલાઈ રહ્યા છે. આ ફેરફારોમાં કયાંક સામાન્‍ય નાગરિકોને વહીવટી રાહત અને મુસાફરીમાં સરળતા મળશે, તો કયાંક ઘરગથ્‍થુ બજેટ પર બોજ વધવાની પૂરેપૂરી શકયતા સેવાઈ રહી છે.

હવાઈ પ્રવાસ કરનારાઓ માટે એક ખુશખબર સામે આવ્‍યા છે. નવા નિયમ અનુસાર ૧ સપ્‍ટેમ્‍બરથી ભારતમાંથી આંતરરાષ્‍ટ્રીય પ્રવાસ કરતી વખતે ઇમિગ્રેશન કાઉન્‍ટર પર ર્બોડિંગ પાસ પર સ્‍ટેમ્‍પ લગાવવાની ભૌતિક જરૂરિયાતને નાબૂદ કરી દેવામાં આવી છે. હવે મુસાફરો પોતાના સ્‍માર્ટફોનમાં ઇલેક્‍ટ્રોનિક ર્બોડિંગ પાસ બતાવીને અથવા તો પ્રિન્‍ટેડ પાસ દ્વારા પણ સરળતાથી એરપોર્ટ પ્રોસેસ પૂર્ણ કરી શકશે. બીજી તરફ, મુંબઈકરો માટે માઠા સમાચાર છે કારણ કે મુંબઈ દૂધ ઉત્‍પાદક સંઘે ભેંસના દૂધના જથ્‍થાબંધ ભાવમાં સીધો ૯ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જેનાથી જથ્‍થાબંધ દર ૯૩ રૂપિયાથી વધીને ૧૦૨ રૂપિયા થઈ જશે. આ નવો દર ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી અમલમાં રહેશે, જોકે રિટેલ ભાવ દુકાનદારો અને સપ્‍લાયર્સ મુજબ અલગ હોઈ શકે છે.

આ ઉપરાંત, કરદાતાઓ અને ગેસ ગ્રાહકો માટે પણ આજે ૩૧ ઓગસ્‍ટની તારીખ અત્‍યંત નિર્ણાયક છે. ઓડિટ ન કરાવતા હોય તેવા વ્‍યાપારીઓ (મુખ્‍યત્‍વે ITR-૩ અને ITR-૪ ફાઇલ કરનારા) માટે આકારણી વર્ષ ૨૦૨૬-૨૭નું આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્‍ટ છે, ત્‍યારબાદ વિલંબિત (Belated) ITRના નિયમો લાગુ થશે. સાથોસાથ, LPG ગ્રાહકો માટે e-KYC પૂર્ણ કરવાની મુદત પણ આજે જ સમાપ્ત થઈ રહી છે. જો આજે e-KYC નહીં થાય, તો ૧ સપ્‍ટેમ્‍બરથી સિલિન્‍ડર બુકિંગ અને સબસિડી મળવામાં અડચણ આવી શકે છે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવતી સમીક્ષા મુજબ પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્‍ડરના નવા ભાવ પણ કાલે સવારે જાહેર કરવામાં આવશે.

 

(2:55 PM IST)