<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

માનસી પારેખ નેપાળથી હેમખેમ પરત : અનુભવ શેર કરતાં જ થઈ ગઈ ભાવુક

આખું ગામ વહી ગયું. ૨૪ કલાકમાં આખું ગામ ગાયબ થઈ ગયું હતું. ખૂબ જ ખરાબ અનુભવ હતો. અમને સમજાયું કે જીવનમાં ગમે ત્‍યારે કંઈ પણ થઈ શકે છે. જિંદગી ખૂબ અનિશ્ચિતિ છે

 

 

મુંબઈ તા.૩૧: નેપાળ પૂરનો મૃત્‍યુઆંક ૯૦૩ પર પહોંચ્‍યો છે, જ્‍યારે અનેક લોકો હજુ પણ ગુમ છે. આ દરમિયાન કેટલાક લોકોની ભાળ મળ્‍યા બાદ સહી સલામત વતન વાપસી પણ થઈ છે. જેમાંની એક મૂળ ગુજરાતી અને નેશનલ ફિલ્‍મ એવોર્ડ વિજેતા એક્‍ટ્રેસ માનસી પારેખ પણ છે. ઈશા ફાઉન્‍ડેશન સાથે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ૯૩ લોકો આજે મુંબઈ પરત ફર્યા હતા. લાંબી રાહ જોયા બાદ પરિવારને મળતાં જ લોકોની આંખોમાંથી આંસુ છલકાઈ ગયાં હતા. કોઈ માતા પોતાના પુત્રને ભેટીને રડતી જોવા મળ્‍યા હતા, તો ક્‍યાંક ભાઈ-બહેને એરપોર્ટ પર જ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. માનસી પારેખે એરપોર્ટ પર મીડિયા સાથે તેનો અનુભવ શેર કર્યો હતો. આ દરમિયાન તે ભાવુક થઈ ગઈ હતી.

આ યાત્રીઓમાં અભિનેત્રી માનસી પારેખ પણ સામેલ હતી, જે ઈશા ફાઉન્‍ડેશન સાથે કૈલાશ માનસરોવર યાત્રાએ ગઈ હતી. યાત્રા દરમિયાન શરૂઆતમાં તે ગુમ થઈ હોવાના અહેવાલો સામે આવ્‍યા હતા. જોકે, ઘટનાના થોડા કલાકો બાદ તેણે પોસ્‍ટ કરીને સહી સલામત હોવાનું જણાવ્‍યું હતું. તેણે કહ્યું, આ સફર ખૂબ જ લાંબી અને કઠિન રહી. તિબેટ અને નેપાળ વચ્‍ચે જે સરહદ છે, ત્‍યાં ખૂબ મોટી ઇમિગ્રેશન બિલ્‍ડિંગ છે અને ૭ દિવસ પહેલાં જ તે ઇમિગ્રેશન બિલ્‍ડિંગમાંથી અમે ચીનમાં પ્રવેશ કર્યો હતો. અમારી કૈલાશ યાત્રા પૂરી થયા પછી અમે ચીનમાંથી બહાર નીકળવાના જ હતા, પરંતુ બરાબર ૨૪ કલાક પહેલાં જ આ દુર્ઘટના ઘટી. અમે જ્‍યારે વીડિયો જોયા અને અમને આ અંગે જાણ થઈ ત્‍યારે અમારી પાસે કોઈ શબ્‍દો જ નહોતા કે હવે અમે શું કરીએ. એટલી મોટી બિલ્‍ડિંગ હતી અને તે તણાઈ ગઈ, આખું ગામ વહી ગયું. ૨૪ કલાકમાં આખું ગામ ગાયબ થઈ ગયું હતું. ખૂબ જ ખરાબ અનુભવ હતો.  અમને સમજાયું કે જીવનમાં ગમે ત્‍યારે કંઈ પણ થઈ શકે છે. જિદગી ખૂબ અનિશ્ચિતિ છે.

(3:44 PM IST)