News of Monday, 31st August 2026
નવી મુંબઈના ઉલવે વિસ્તારમાં મહિલાના ગળા પર છરી મૂકી ₹૯ લાખની લૂંટ ચલાવનાર શાતિર ગેંગનો પર્દાફાશ: પોલીસે ગણતરીના દિવસોમાં ૫ લૂંટારૂઓને દબોચ્યા, ₹૮.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત
છતની દેશી નળિયાં હટાવી ઘરમાં ઘૂસેલા લૂંટારૂઓને CCTV અને ટેકનિકલ સર્વેલન્સે કરાવ્યા જેલહવાલે: ૧૭થી વધુ ગુના આચરનાર કુખ્યાત આરોપી સહિત ૫ ઝડપાયા, ૪ અઠંગ અપરાધી હજુ પણ ફરાર

નવી મુંબઈ, તા.૩૧: નવી મુંબઈના ઉલવે વિસ્તારમાં આવેલા ગવહન ગામમાં વહેલી સવારે બનેલી એક સનસનાટીભરી લૂંટનો ઉલવે પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. ગવહન ગામમાં એકલી રહેતી ૫૩ વર્ષીય વૃદ્ધા શેવંતા ધાયા કોલીના ઘરમાં ૧૮ ઓગસ્ટના રોજ વહેલી સવારે ત્રાટકેલી ગેંગના ૫ શખ્સોને પોલીસે સીસીટીવી ફૂટેજ અને હાઇટેક ટેકનિકલ એનાલિસિસના આધારે ઝડપી લીધા છે.
છત તોડીને ઘૂસ્યા અને ગળા પર છરી મૂકી દીધી
૧૮ ઓગસ્ટની વહેલી સવારે જ્યારે શેવંતા કોલી ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે આ અઠંગ ગુનેગારો ઘરમાં ઘૂસવા માટે છત પરના દેશી નળિયાં કાઢીને અંદર પ્રવેશ્યા હતા. અવાજ થતાં જ જ્યારે મહિલા જાગી ગઈ અને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એક શાતિર લૂંટારૂએ તેના ગળા પર ધારદાર છરી મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ લૂંટારુઓ ઘરમાં રાખેલા સોનાના દાગીના અને ₹૨ લાખની રોકડ રકમ મળીને કુલ ₹૯ લાખની મત્તા લૂંટીને અંધારામાં ફરાર થઈ ગયા હતા.
બદલાપુરથી ગવહન સુધી પોલીસે બિછાવી જાળ
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અર્જુન રાજણે અને પોલીસ નિરીક્ષક (ગુના) અશ્વિની પાટીલના માર્ગદર્શન હેઠળ સહાયક પોલીસ નિરીક્ષકો સુરેશ ખરાટ અને તુષાર બચ્છવની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ એનાલિસિસમાં બે શંકાસ્પદો બદલાપુરમાં હોવાની પાકી બાતમી મળતા જ પોલીસે દરોડો પાડીને લૂંટમાં વપરાયેલી કાર સાથે બે આરોપીઓની અટકાયત કરી હતી. તેમની આકરી પૂછપરછના આધારે ગવહન ગામમાંથી જ વધુ ત્રણ સાગરીતોને દબોચી લેવાયા હતા.
ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલો મુદ્દામાલ
પોલીસે બદલાપુરના રોહિત શાંતારામ માલુસરે (૨૭) અને સૂરજ રાજુ ગાયકવાડ (૧૯) તથા ગવહનના રહેવાસી દિપેશ સુરેશ ભોઇર (૨૩), પ્રવિણ સદાનંદ કોલી (૩૧) અને ફરહાન અલ્તાફ શેખ (૧૯)ની ધરપકડ કરી છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ₹૪ લાખની હોન્ડા જાઝ કાર, ₹૨ લાખની KTM બાઇક, ₹૭૫,૦૦૦નું એક્સેસ સ્કૂટર, એક iPhone 16 સહિત ૪ કિંમતી મોબાઇલ ફોન અને ₹૪૫,૦૦૦ રોકડા મળીને કુલ ₹૮.૬૫ લાખની મિલકત જપ્ત કરી છે.
ઝડપાયેલા આરોપીઓનો ભારે ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલો મુખ્ય આરોપી રોહિત માલુસરે કોઈ સામાન્ય ગુનેગાર નથી, તેના વિરુદ્ધ મુંબઈ મેટ્રોપોલિટન રીજનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી અને હથિયાર રાખવાના ૧૭થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે સૂરજ ગાયકવાડ વિરુદ્ધ પણ ઘરફોડ ચોરી અને સગીર વયે હત્યાનો ગુનો નોંધાયેલો છે. હાલમાં આ લૂંટમાં સામેલ અન્ય ૪ ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને બાકીનો મુદ્દામાલ રિકવર કરવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
