News of Monday, 31st August 2026
ઉત્તર પ્રદેશમાં પૂરનો કોપ: ૧૭ જિલ્લાઓમાં પાયમાલી વચ્ચે યોગી સરકારનું 'મેગા રેસ્ક્યૂ ઓપરેશન'; લાખો લોકો માટે અન્ન, આશ્રય અને આરોગ્યનો બુલડોઝર પ્લાન
૧.૭૦ લાખથી વધુ અસરગ્રસ્તો સુધી પહોંચી મદદ, ૧૬૦૦થી વધુ પૂર પોસ્ટ સ્થાપિત: ૧૭ જિલ્લાઓમાં સેના અને વહીવટી તંત્ર રાત-દિવસ રાહત કામગીરીમાં જોતરાયા

લખનૌ : ઉત્તર પ્રદેશમાં કુદરતના રૌદ્ર સ્વરૂપે ભારે તારાજી સર્જી છે. રાજ્યના ૧૭ જિલ્લાઓ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં હાહાકાર મચી ગયો છે. લગભગ ૧.૭૦ લાખથી વધુ લોકો આ ભયાનક આપત્તિનો ભોગ બન્યા છે. આ કટોકટીની ઘડીમાં સીએમ યોગી આદિત્યનાથે વહીવટી તંત્રને 'મિશન મોડ'માં સક્રિય કરી દીધું છે. પૂરથી ઘેરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાથી લઈને તેમના માટે ભોજન, આશ્રય, તબીબી સારવાર અને પશુઓ માટે ચારાની અભૂતપૂર્વ વ્યવસ્થા ઉભી કરીને યોગી સરકારે યુદ્ધના ધોરણે મેગા રાહત અભિયાન શરૂ કર્યું છે.
૧,૬૩૩ પૂર પોસ્ટ્સ અને મોનિટરિંગ: જાનહાનિ રોકવામાં સફળતા
ઉત્તર પ્રદેશ રાહત કમિશનર કાર્યાલયના જણાવ્યા અનુસાર, સરકારના સમયસરના આયોજનને કારણે અત્યાર સુધી રાજ્યમાં કોઈ જાનહાનિ કે પશુધનના નુકસાનના અહેવાલ નથી. સ્થિતિ પર પળેપળની નજર રાખવા માટે પૂરગ્રસ્ત વિસ્તારોમાં કુલ ૧,૬૩૩ પૂર પોસ્ટ્સ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત ૫૨૫ જેટલી નાવડીઓ અને મોટરબોટ્સ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ સતત ચાલી રહ્યું છે. હાલમાં ૨૫૪ પૂર આશ્રયસ્થાનોમાં ૧,૧૫૧થી વધુ પીડિતો આશ્રય લઈ રહ્યા છે.
લાખો ફૂડ પેકેટ્સ અને મેડિકલ ટીમો તૈનાત
પૂર પીડિતો ભૂખ્યા ન રહે તે માટે સરકારે ભોજનની વ્યાપક વ્યવસ્થા કરી છે. અત્યાર સુધીમાં પૂર પીડિતોને ૫૫,૫૭૨ સુકા રાશન પેકેટ્સ અને ૩.૦૨ લાખથી વધુ ગરમ લંચ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત રોગચાળો ફેલાતો અટકાવવા માટે ૨૦૦ ખાસ તબીબી ટીમો તૈનાત કરી દેવાઈ છે. સ્વચ્છ પીવાના પાણી અને આરોગ્ય સુરક્ષા માટે ૫,૪૩૨ ક્લોરિન ગોળીઓ અને ૫,૪૪૧ ORS પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. બેઘર થયેલા ૧૧ પૂર પીડિત પરિવારોને તાત્કાલિક નાણાકીય સહાય પણ ચૂકવી દેવાઈ છે.
આ ૧૭ જિલ્લાઓમાં પૂરનો ભારે પ્રકોપ
રાજ્યના જે ૧૭ જિલ્લાઓ પૂરની ચપેટમાં આવ્યા છે તેમાં અયોધ્યા, આઝમગઢ, બલિયા, બારાબંકી, બદાયૂં, ચિત્રકૂટ, ફારુખાબાદ, હમીરપુર, હરદોઈ, કાસગંજ, કન્નૌજ, કાનપુર નગર, લખીમપુર ખીરી, મુરાદાબાદ, સંત કબીર નગર, શાહજહાંપુર અને વારાણસીનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં યુપી પોલીસ અને NDRF-SDRF ની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સતત કાર્યરત છે. પશુધનની સુરક્ષા માટે ૨૦,૫૫૬થી વધુ પ્રાણીઓ માટે ૪૨૫ ક્વિન્ટલથી વધુ સુકો ચારો પહોંચાડવામાં આવ્યો છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
