<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ભૂમધ્ય સમુદ્રમાં નવો વ્યૂહાત્મક વળાંક: ઇઝરાયલ અને ગ્રીસ વચ્ચે થયો 3.5 અરબ ડોલર નો ઐતિહાસિક લશ્કરી કરાર

તુર્કી સાથે વધી રહેલા તણાવ અને એજિયન સમુદ્રમાં સુરક્ષા પડકારો વચ્ચે ગ્રીસે પોતાની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા ઇઝરાયલ સાથે 'એચિલીસ શીલ્ડ' મિસાઇલ સિસ્ટમ ખરીદવાનો નિર્ણય લીધો

તેલ અવીવ:  ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં વ્યૂહાત્મક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. પાડોશી દેશ તુર્કી સાથે ચાલી રહેલા લાંબા સમયના સીમા વિવાદ અને લશ્કરી તણાવ વચ્ચે ગ્રીસે પોતાની સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે આધુનિક બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. એથેન્સે ઇઝરાયલ સાથે આશરે 3.5 અરબ ડોલરનો મલ્ટી-લેયર એર ડિફેન્સ કવચ 'એચિલીસ શીલ્ડ' ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઐતિહાસિક સોદા હેઠળ ઇઝરાયલ ગ્રીસને ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરની અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમ્સ સહિત રડાર અને કમાન્ડ કંટ્રોલ નેટવર્ક પૂરું પાડશે.

ગ્રીસ અને તુર્કી વચ્ચે એજિયન સમુદ્રમાં ટાપુઓ, દરિયાઈ સીમાઓ અને સાયપ્રસ મુદ્દે દાયકાઓથી તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. બંને દેશો નાટો (NATO) ના સભ્યો હોવા છતાં, તુર્કી તરફથી મળતી સતત લશ્કરી ધમકીઓને કારણે ગ્રીસ પોતાની સંરક્ષણ ક્ષમતા મજબૂત કરી રહ્યું છે. ઇઝરાયલ સાથેનો આ સોદો ગ્રીસના €28 બિલિયનના વિશાળ લશ્કરી આધુનિકીકરણ કાર્યક્રમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ કરારથી સોવિયેત યુગના જૂના S-300 જેવા શસ્ત્રોના સ્થાન પર હવે ઇઝરાયલની 'ડેવિડ્સ સ્લિંગ', 'બરાક MX' (BARAK MX) અને 'સ્પાઇડર' (SPYDER) જેવી વિશ્વસનીય મિસાઇલ પ્રણાલીઓ તૈનાત કરવામાં આવશે.

આ ઉપરાંત, ડ્રોન હુમલાઓના વધતા ખતરા સામે રક્ષણ મેળવવા માટે ગ્રીસે ઇઝરાયલ સાથે એન્ટી-ડ્રોન સિસ્ટમ માટે પણ અલગથી કરાર કર્યો છે. ગ્રીસ પોતાની જીડીપીના 3.5% થી વધુ ભાગ સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે, જે ઘણા નાટો સભ્ય દેશો કરતાં પણ વધુ છે. પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં ઇઝરાયલ અને ગ્રીસ વચ્ચે વધતી લશ્કરી ભાગીદારી તુર્કી માટે મોટી રાજદ્વારી અને વ્યૂહાત્મક ચિંતાનો વિષય બની છે.

(6:30 PM IST)