<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

બિહાર NDAમાં દલિત રાજકારણનો મહાસંગ્રામ: અનામતમાં ક્રીમી લેયરના મુદ્દે ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી વચ્ચે આરપારની લડાઈ

SC અનામતમાં સોશિયલ સબ-કેટેગરાઈઝેશન અને ક્રીમી લેયર લાગુ કરવા મુદ્દે કેન્દ્રીય મંત્રીઓ સામસામે આવ્યા બાદ રાજીનામાની માંગણી સુધી પહોંચ્યો વિવાદ : પરિસ્થિતિ વણસતા ભાજપે ગઠબંધન બચાવવા હસ્તક્ષેપ કરવો પડ્યો

પટના: બિહારમાં આગામી રાજકીય સમીકરણો વચ્ચે સત્તાધારી એનડીએ  ગઠબંધનમાં આંતરિક ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો છે. અનુસૂચિત જાતિ  અનામતમાં 'ક્રીમી લેયર' અને સબ-કેટેગરાઈઝેશન (પેટા-વર્ગીકરણ) ના મુદ્દે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી વચ્ચે તીવ્ર વાકયુદ્ધ શરૂ થયું છે. બંને દલિત નેતાઓ આ મુદ્દા પર એટલા આક્રમક બન્યા છે કે તેમણે એકબીજા પાસે મંત્રીપદેથી રાજીનામાની માગણી કરી દીધી છે. બે મહત્વપૂર્ણ સાથી પક્ષો વચ્ચેના આ ખુલ્લા સંઘર્ષને કારણે ગઠબંધનનું નેતૃત્વ કરતી ભાજપ અસ્વસ્થ થઈ ગઈ છે અને બંને નેતાઓને વાણી-વર્તન પર સંયમ રાખી ગઠબંધનના હિતમાં સાથે મળીને કામ કરવા આકરી સલાહ આપી છે.

વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચિરાગ પાસવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અનામતનો આધાર આર્થિક નથી પરંતુ ઐતિહાસિક સામાજિક ભેદભાવ છે, તેથી દલિતોમાં ભાગલા પાડવાથી દલિત એકતા નબળી પડશે. ચિરાગે જીતન રામ માંઝી અને તેમના પુત્ર સંતોષ સુમન પર નિશાન સાધતા કહ્યું કે જો તેઓ ક્રીમી લેયરના પક્ષમાં હોય તો અનામતનો લાભ લઈ ચૂકેલા માંઝી પરિવારે નૈતિક ધોરણે સૌપ્રથમ મંત્રીપદેથી રાજીનામું આપવું જોઈએ. આના જવાબમાં માંઝી અને તેમના પુત્રએ પલટવાર કરતા આરોપ લગાવ્યો કે ચિરાગ અત્યંત પછાત મહાદલિતોના હિતોની વિરુદ્ધ છે અને જો તેમને ગરીબોની ચિંતા ન હોય તો તેમણે પોતે જ રાજીનામું આપીને શરૂઆત કરવી જોઈએ.

બિહારની રાજનીતિમાં લગભગ 20 ટકા દલિત મતદારો છે, જ્યાં પાસવાન સમુદાય અને મુસહર-ભુઈયાં જેવા મહાદલિત સમુદાય વચ્ચે વર્ચસ્વની જૂની લડાઈ રહી છે. જીતન રામ માંઝીની દલીલ છે કે અનામતનો મોટો ભાગ શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ પાસવાન સમુદાય લઈ જાય છે, જ્યારે મહાદલિતો વંચિત રહી જાય છે; માટે ક્વોટાની અંદર ક્વોટા જરૂરી છે. બીજી તરફ ચિરાગ પાસવાન સમગ્ર દલિત સમાજના સર્વમાન્ય નેતા બનવા માંગે છે. 2024ની સંસદમાં પણ બંને વચ્ચે સીટ બેઠકને લઈને ખેંચતાણ થઈ હતી. હાલમાં બિહાર રાજકારણમાં દલિત વોટબેંક પર પોતાનો દબદબો બનાવવા માટે ચાલી રહેલી આ ખેંચતાણને ભાજપ વહેલી તકે શાંત પાડવાના પ્રયાસો કરી રહી છે.

(6:31 PM IST)